આઈપીએલ 2027 સીઝન માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવાના આઇટીસી ગ્રાન્ડ હોટલમાં યોજાશે. બીસીસીઆઈની લોજિસ્ટિક્સ ટીમે ટીમોને વોટ્સએપ દ્વારા આ માહિતી આપી છે. આ ઓક્શનમાં ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.
આ પહેલા 2023માં ઓક્શન ભારતમાં યોજાયું હતું. ત્યારબાદ 2024માં દુબઈ, 2025માં જેદ્દા (મેગા ઓક્શન) અને 2026માં અબુધાબીમાં ઓક્શન યોજાયા હતા. હવે ત્રણ વર્ષ પછી ઓક્શન ફરીથી ભારતમાં યોજાશે.
ઓક્શનના એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરે તે જ સ્થળે ઓક્શન બ્રીફિંગનું આયોજન કરવામાં આવશે, જેથી ફ્રેન્ચાઇઝીઓ તેમની તૈયારીઓ કરી શકે. હજુ સુધી ફ્રેન્ચાઇઝી માલિકો અને સીઈઓને સત્તાવાર ઈમેલ મોકલવામાં આવ્યો નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. રજત પાટીદારની કપ્તાનીમાં RCBએ 2025 અને 2026માં સતત બે વર્ષ ટાઇટલ જીત્યું છે.
ઓક્શનના દિવસે જ બેંગલુરુમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે મેચ રમાવાની છે. શુભમન ગિલ, શ્રેયસ અય્યર જેવા સીનિયર ખેલાડીઓ મેદાન પર હશે, જ્યારે ફ્રેન્ચાઇઝીઓ ગોવામાં હરાજીમાં વ્યસ્ત રહેશે.