ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 20મી સીઝન માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2027ની ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની મીની હરાજી દેશમાં જ યોજવાનો નિર્ણય કર્યો છે. આ વખતે આ હરાજી વિદેશમાં નહીં, પરંતુ ગોવામાં યોજાશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, આ હરાજી 16 ડિસેમ્બર, 2026ના રોજ ગોવાની જાણીતી ફાઇવ સ્ટાર હોટેલ 'ITC ગ્રાન્ડ ગોવા' ખાતે યોજાશે. BCCIની લોજિસ્ટિક્સ ટીમે તમામ સંબંધિત પક્ષોને આંતરિક સંદેશ મોકલીને આ તારીખ અને સ્થળની માહિતી આપી છે.
બોર્ડના લોજિસ્ટિક્સ વિભાગે 17 ઓક્ટોબરે તમામ ફ્રેન્ચાઇઝીઓને WhatsApp મેસેજ દ્વારા પ્રાથમિક જાણકારી આપી હતી. આ સંદેશમાં જણાવાયું છે કે હરાજી 16 ડિસેમ્બરે થશે, જ્યારે 15 ડિસેમ્બરે તમામ ટીમો માટે ખાસ 'ઓક્શન બ્રીફિંગ' સેશન રાખવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી ફ્રેન્ચાઇઝી માલિકો કે CEOને ઔપચારિક ઈમેઈલ મોકલવામાં આવ્યો નથી. છતાં ઘણી મોટી ફ્રેન્ચાઇઝીઓએ પુષ્ટિ કરી છે કે તેમને મુસાફરી અને રહેવાની વ્યવસ્થા માટે આ અનૌપચારિક સંદેશ મળી ગયો છે. BCCI ટૂંક સમયમાં સત્તાવાર ઈમેઈલ અને જરૂરી દસ્તાવેજો મોકલશે.
છેલ્લા કેટલાક વર્ષોથી BCCI દ્વારા IPL ઓક્શનનું આયોજન દુબઈ જેવા વિદેશી શહેરોમાં કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે બોર્ડે સ્થાનિક સ્તરે જ આ ઈવેન્ટ યોજવાનું નક્કી કર્યું છે.
રસપ્રદ વાત એ છે કે, 16 ડિસેમ્બરે જ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. આમ, ક્રિકેટ ચાહકોને એક તરફ મેદાન પર રોમાંચક મુકાબલો જોવા મળશે અને બીજી તરફ ટીવી પર ખેલાડીઓની બોલી લાગતી નિહાળવાની મજા મળશે. તમામ 10 ટીમોએ પોતાના બાકી રહેલા સ્લોટ ભરવા અને શ્રેષ્ઠ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટેની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.