ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નું પ્લેયર ઓક્શન 16 ડિસેમ્બરે યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઇવેન્ટ ગોવાની ITC ગ્રાન્ડ ગોવા હોટેલમાં યોજાવાની શક્યતા છે. જોકે, BCCIએ હજુ સુધી ફ્રેન્ચાઇઝી માલિકો અને સીઈઓને તારીખ અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરતો ઈમેલ મોકલ્યો નથી.
ક્રિકબઝના અહેવાલ મુજબ, શનિવારે BCCIની લોજિસ્ટિક્સ ટીમે વોટ્સએપ મેસેજ દ્વારા ફ્રેન્ચાઇઝીઓને ઓક્શનની પ્રસ્તાવિત તારીખ અને સ્થળની જાણકારી આપી છે. બોર્ડે ફ્રેન્ચાઇઝીઓને એ પણ પૂછ્યું છે કે ઓક્શનમાં સામેલ થવા માટે તેમના પ્રતિનિધિમંડળમાં કેટલા લોકો આવશે. 15 ડિસેમ્બરે ઓક્શન પહેલાં બ્રીફિંગ યોજવામાં આવી છે.
BCCIએ દરેક ટીમ તરફથી ઓક્શનમાં આવનારા પ્રતિનિધિઓની માહિતી માંગી છે, જેથી તેમના રહેવાની વ્યવસ્થા કરી શકાય. આ સંદેશ મુખ્યત્વે ગોવામાં પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા કરવા માટે મોકલવામાં આવ્યો છે. બોર્ડ તરફથી સત્તાવાર માહિતી બાદમાં જાહેર કરવામાં આવી શકે છે. ઓક્શનની તારીખમાં ફેરફાર થશે કે નહીં, તે અંગે હાલમાં સ્થિતિ સ્પષ્ટ નથી.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં વન-ડે મેચ પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં ઓક્શન અને આંતરરાષ્ટ્રીય મેચ એક જ દિવસે યોજાય તો શેડ્યૂલમાં ફેરફાર થશે કે નહીં, તે સ્પષ્ટ નથી.
આ પહેલાંના અહેવાલોમાં ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચનું સ્થળ બદલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુકાબલો 13 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાનો છે. જોકે, BCCIએ તાજેતરમાં મેચનું સ્થળ બદલવાની યોજનાનો ઇનકાર કર્યો હતો.