ભારતમાં આઇફોનના ઉત્પાદન અને સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પર ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આંકડા રજૂ કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.
બ્લૂમબર્ગના એક વીડિયા અહેવાલમાં ભારતમાં આઇફોન એસેમ્બલિંગ અને સરકારી પ્રોત્સાહનો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર આંકડા શેર કર્યા.
તેમણે જણાવ્યું કે સરકારે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન હેઠળ ₹19,000 કરોડ આપ્યા છે. તેની સામે ₹25,000 કરોડનો સીધો ટેક્સ અને ₹3 લાખ કરોડનો GST મળ્યો છે. એટલે કે કુલ ₹3.25 લાખ કરોડની આવક થઈ છે.
વૈષ્ણવે ટીકાકારો તરફ કટાક્ષ કરતાં લખ્યું—"વધુ સહન કરો!!"
મંત્રીએ વધુમાં જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર દેશમાં મોટા પાયે રોજગાર આપી રહ્યું છે. આંકડા મુજબ આ ક્ષેત્રમાં 25 લાખ લોકોને રોજગાર મળ્યો છે, જેમાંથી 12 લાખ લોકો મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં કામ કરે છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં શું કહેવાયું?
બ્લૂમબર્ગ ઓપિનિયનના કૉલમનિસ્ટ એન્ડી મુખર્જીએ હોંગકોંગના શમ શુઈ પો વિસ્તારમાં એક આઇફોન ખોલીને તેના ભાગોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે ભારતે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં ચીનની સફળતાની નકલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે નહીં.
અહેવાલમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગનો વિકાસ થયો છે. પહેલાં સંપૂર્ણ તૈયાર મેઇનબોર્ડ આયાત થતા હતા, હવે ખાલી સર્કિટ બોર્ડ આયાત કરીને તેમાં ભાગો સ્થાનિક સ્તરે જોડવામાં આવે છે. આના કારણે એક વર્ષમાં ભારતના મોબાઇલ વેપાર સંતુલનમાં 2.1 અબજ ડૉલર એટલે કે આશરે ₹17,500 કરોડનો સુધારો થયો છે. આજે દુનિયામાં બનતા દર ચારમાંથી એક આઇફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે.
મોંઘા ભાગ હજુ પણ આયાત પર નિર્ભર
તેમ છતાં બ્લૂમબર્ગનો મુખ્ય મુદ્દો એ છે કે મેમરી ચિપ, પ્રોસેસર, ડિસ્પ્લે, કેમેરા લેન્સ અને બેટરી જેવા મોંઘા ભાગો માટે ભારત હજુ પણ વિદેશી આયાત પર નિર્ભર છે. મુખર્જીના જણાવ્યા મુજબ, તૈયાર હેન્ડસેટની નિકાસમાંથી ભારત જેટલી કમાણી કરે છે, તેનાથી ઘણી વધુ રકમ ભાગોની આયાત પર ખર્ચાય છે.
અહેવાલમાં કહેવાયું છે કે જો ઉત્પાદન ખર્ચ ઊંચો રહેશે, તો સરકારે કારખાનાના કામદારોને મળતા વધારાના વેતન કરતાં વધુ રકમ પ્રોત્સાહન તરીકે આપવી પડી શકે છે.
સેમિકન્ડક્ટર પર પણ સવાલ
બ્લૂમબર્ગના અહેવાલમાં સેમિકન્ડક્ટર અંગે પણ સવાલ ઉઠાવાયો છે. કહેવાયું છે કે અબજો ડૉલરની સબસિડી આપ્યા પછી પણ ભારત હજુ માત્ર ટેસ્ટિંગ અને પેકેજિંગ સુધી જ પહોંચી શક્યું છે. વાસ્તવિક હાઈ-એન્ડ ચિપના ઉત્પાદનમાં હજુ વર્ષો લાગશે.
અહેવાલમાં સૂચન કરાયું છે કે ભારતે પોતાની તાકાત એટલે કે એન્જિનિયરિંગ અને ડિઝાઇન પર ધ્યાન આપવું જોઈએ. સાથે જ કાપડ અને જૂતા જેવા ઉદ્યોગોમાં રોકાણ વધારવું જોઈએ, જ્યાં કરોડો લોકોને રોજગાર મળી શકે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં રઘુરામ રાજન પણ સેમિકન્ડક્ટર અને PLI યોજના અંગે સવાલ ઉઠાવી ચૂક્યા છે.