એપલના પહેલા ફોલ્ડેબલ ફોન આઇફોન ડ્યૂઓમાં સ્ક્રીન સંબંધિત સમસ્યા સામે આવી છે. અંદરની સ્ક્રીન તૂટવા અને ક્રેક થવાની ફરિયાદો યુઝર્સ કરી રહ્યા છે. એપલે પણ આ ખામી સ્વીકારી છે અને પ્રભાવિત ફોન બદલીને નવો ફોન આપવાની જાહેરાત કરી છે.
આ ડેમેજ મોટાભાગે ફોન વચ્ચેથી વળે છે તે જગ્યાએ (સેન્ટ્રલ હિંજ) થઈ રહ્યું છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે ફોનને પહેલી વાર ખોલ્યા અને થોડા સમય ઉપયોગ કર્યા બાદ સ્ક્રીન આપમેળે ખરાબ થઈ ગઈ.
એપલે સોમવારે જણાવ્યું કે, "અમને આઇફોન ડ્યૂઓના કેટલાક યુનિટ્સના ઇનર ડિસ્પ્લેમાં આવી સમસ્યાની જાણ છે. આ ખામી થોડા જ ફોનમાં જોવા મળી છે. કંપની આ ફોન બદલીને યુઝરને નવો ફોન આપશે."
યુઝર્સ મફત રિપ્લેસમેન્ટ મેળવવા માટે AppleCareનો સંપર્ક કરી શકે છે. એપલે ગ્રાહકોને સલાહ આપી છે કે જો તેમના આઇફોન ડ્યૂઓની સ્ક્રીનમાં કોઈ સમસ્યા દેખાય, તો તેઓ તરત જ રિપ્લેસમેન્ટ માટે AppleCareનો સંપર્ક કરે.
ઉલ્લેખનીય છે કે, એપલે 9 સપ્ટેમ્બરે પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન આઇફોન ડ્યૂઓ લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 5.4 ઇંચનું કવર ડિસ્પ્લે અને અંદર 7.6 ઇંચની મેઇન સ્ક્રીન છે, જે અત્યાર સુધીના કોઈપણ આઇફોનનું સૌથી મોટું ડિસ્પ્લે છે. ડ્યૂઓ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન છે. તેની શરૂઆતની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત 4.50 લાખ રૂપિયા સુધી જાય છે.