એપલ આજે તેની વાર્ષિક ઇવેન્ટમાં આઇફોન 18 સિરીઝના પ્રીમિયમ મોડલ 18 પ્રો અને 18 પ્રો મેક્સ લોન્ચ કરશે. આ વખતે કેમેરામાં પ્રથમ વખત DSLR કેમેરામાં વપરાતી વેરીએબલ અપર્ચર ટેકનિક આપવામાં આવશે, જે પ્રકાશના નિયંત્રણને વધુ સુધારશે.
સ્માર્ટફોન કેમેરાની ગુણવત્તા માત્ર મેગાપિક્સલ પર નથી આધારિત, પરંતુ લેન્સ, સેન્સર અને સોફ્ટવેરના સંયોજન પર છે. આઇફોન સામાન્ય રીતે ઓછા મેગાપિક્સલ છતાં વધુ સારી તસવીરો આપે છે, કારણ કે તે ઉચ્ચ ગુણવત્તાવાળા કસ્ટમ સેન્સર અને એડવાન્સ્ડ સોફ્ટવેર પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે.
કેમેરાના મૂળભૂત ભાગોમાં લેન્સ, અપર્ચર, સેન્સર અને ઇમેજ પ્રોસેસર (ISP)નો સમાવેશ થાય છે. મોટું સેન્સર ઓછા પ્રકાશમાં પણ સ્પષ્ટ ફોટો આપે છે. આઇફોનની 'સ્માર્ટ HDR' અને 'ડીપ ફ્યુઝન' જેવી સુવિધાઓ ફોટો લેતાં જ રંગ અને પ્રકાશને સુધારે છે. વીડિયોમાં પણ 4K, ડોલ્બી વિઝન અને સ્ટેબિલાઇઝેશનને કારણે આઇફોન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જોકે, એન્ડ્રોઇડ ફોનમાં પણ હવે પ્રીમિયમ સેન્સર અને પ્રોસેસિંગ આવી રહ્યાં છે, પરંતુ આઇફોનની સુસંગતતા અને સોફ્ટવેર-હાર્ડવેર સંકલન તેને અલગ બનાવે છે.