સત્ય. સાહસ. સંકલ્પ.

સિંધુ, ચાનૂ સહિત 10 ખેલાડી IOA એથ્લેટ્સ કમિશનમાં બિનહરીફ ચૂંટાયા; 7 નવેમ્બરે ચેરમેનની ચૂંટણી

સિંધુ, ચાનૂ સહિત 10 ખેલાડી IOA એથ્લેટ્સ કમિશનમાં બિનહરીફ ચૂંટાયા; 7 નવેમ્બરે ચેરમેનની ચૂંટણી

ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના એથ્લેટ્સ કમિશનમાં ઓલિમ્પિક પદક વિજેતા પીવી સિંધુ અને મીરાબાઈ ચાનૂ સહિત 10 ખેલાડીઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મંગળવારે રિટર્નિંગ ઓફિસર સંજય કે. શ્રીવાસ્તવે આ 10 સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી. કમિશનમાં 5 પુરુષ અને 5 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. તેમનો કાર્યકાળ 2026થી 2030 સુધીનો રહેશે.

પૂર્વ એથ્લેટ સુધા સિંહે સોમવારે મોડી રાત્રે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પહેલાં બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે પણ સોમવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પરિણામે 10 પદો માટે 10 જ ઉમેદવારો મેદાનમાં રહ્યા. તેથી 3 નવેમ્બરે પ્રસ્તાવિત મતદાનની જરૂર પડી નહોતી.

આ ઉપરાંત એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (OCA)ના એથ્લેટ્સ કમિશનના બે ભારતીય પ્રતિનિધિઓ પણ IOA કમિશનના હોદ્દેદાર સભ્ય હશે. તેમાં ઉપાધ્યક્ષ શિવા કેશવન અને તાજેતરમાં નિયુક્ત રાજેશ્વરી કુમારીનો સમાવેશ થાય છે.

IOAના ચૂંટણી નિયમો મુજબ, 10 સભ્યોના એથ્લેટ્સ કમિશનમાં 6 ખેલાડીઓ એવા હોવા જોઈએ જેમણે છેલ્લા ત્રણ ઓલિમ્પિકમાંથી ઓછામાં ઓછા એકમાં ભાગ લીધો હોય. તેમાં 3 પુરુષ અને 3 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. બાકીની 4 બેઠકો એવા ખેલાડીઓ માટે છે જેમણે છેલ્લી ત્રણ એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ/કપ અથવા નેશનલ ગેમ્સમાં ઓછામાં ઓછો એક મેડલ જીત્યો હોય. આ કેટેગરીમાં 2 પુરુષ અને 2 મહિલા ખેલાડીઓને સ્થાન મળશે.

ઓલિમ્પિક કેટેગરીના 6 સભ્યો: પુરુષ - હરમનપ્રીત સિંહ, સાજન પ્રકાશ અને તજિન્દરપાલ સિંહ તૂર; મહિલા - પીવી સિંધુ, મીરાબાઈ ચાનૂ અને બોમ્બેલા દેવી. મેડલ વિજેતા કેટેગરીના 4 સભ્યો: પુરુષ - સ્વપ્નિલ કુસાલે અને મંજીત સિંહ; મહિલા - સલીમા ટેટે અને ભવાની દેવી.

16 ઓક્ટોબરે રિટર્નિંગ ઓફિસરે એથ્લેટ્સ કમિશનની ચૂંટણી માટે 34 મતદારોની યાદી જાહેર કરી હતી. આ પ્રતિનિધિઓની પસંદગી 17 રાષ્ટ્રીય રમત મહાસંઘોમાંથી કરવામાં આવી હતી. જોકે, સુધા સિંહ અને કિદાંબી શ્રીકાંતે નામ પાછાં ખેંચી લીધા બાદ તમામ 10 પદો પર એક-એક ઉમેદવાર જ બાકી રહ્યો. રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં ચૂંટણી યોજવાનો કોઈ અર્થ નહોતો. તેથી મતદાન રદ કરવામાં આવ્યું.

મેરી કોમની અધ્યક્ષતાવાળા અગાઉના એથ્લેટ્સ કમિશનમાં પણ સિંધુ, મીરાબાઈ અને ભવાની દેવી સભ્યો હતાં. ત્રણેય આ વખતે પણ કમિશનમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યાં છે.

નવા ચૂંટાયેલા સભ્યો હવે એથ્લેટ્સ કમિશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરશે. બંને પદોમાં એક પુરુષ અને એક મહિલાની પસંદગી થવી જરૂરી છે. 4 અને 5 નવેમ્બરે ઉમેદવારો નામાંકન દાખલ કરશે, 6 નવેમ્બરે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે અને 7 નવેમ્બરે વર્ચ્યુઅલ મોડમાં મતદાન થશે.

ચેરમેન પદ માટે માત્ર ઓલિમ્પિક કેટેગરીના 6 સભ્યો જ ચૂંટણી લડી શકશે. જ્યારે શિવા કેશવન અને રાજેશ્વરી કુમારી સહિત કુલ 12 સભ્યો આ ચૂંટણીમાં મતદાન કરશે. જોકે, OCAના બંને પ્રતિનિધિઓ આ પદો માટે ઉમેદવાર બની શકશે નહીં. એક સભ્ય ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી અથવા IOA જનરલ બોડીના બે પ્રતિનિધિઓની ચૂંટણીમાંથી કોઈ એકમાં જ ઉમેદવાર બની શકે છે.

એથ્લેટ્સ કમિશનના ચેરમેન અને વાઇસ ચેરમેન IOAની કાર્યકારી પરિષદ (Executive Council)ના સભ્યો પણ બનશે. આ ઉપરાંત, કમિશનના બે પ્રતિનિધિઓ (એક પુરુષ અને એક મહિલા) IOAની જનરલ બોડીમાં મતાધિકાર સાથે સામેલ થશે. આ બંને પ્રતિનિધિઓ 5 ડિસેમ્બરે યોજાનારી IOAની કાર્યકારી પરિષદની ચૂંટણીમાં પણ મતદાન કરશે.

હોકી ખેલાડી સલીમા ટેટે 24 વર્ષની છે. તેથી તેઓ ચેરમેન અથવા વાઇસ ચેરમેનની ચૂંટણી લડી શકતી નથી. આ પદો માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ છે. જોકે, જનરલ બોડીના બે પ્રતિનિધિઓની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. તેથી સલીમા આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.