સત્ય. સાહસ. સંકલ્પ.

ઇન્ટેલના શેરમાં 29%નો ઘટાડો: ઇઝરાયલ પ્લાન્ટ વિસ્ફોટ અને પીસી માર્કેટ મંદી કારણ

ઇન્ટેલના શેરમાં 29%નો ઘટાડો: ઇઝરાયલ પ્લાન્ટ વિસ્ફોટ અને પીસી માર્કેટ મંદી કારણ

વૈશ્વિક ચિપ નિર્માતા કંપની ઇન્ટેલના શેરમાં શુક્રવારે 29%નો ઘટાડો નોંધાયો છે. 1970ના દાયકા પછી કંપની માટે એક જ દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. કંપનીનો શેર 66 ડૉલર સુધી નીચે આવી ગયો છે. ચાલુ ત્રિમાસિક ગાળાના (Q4) નબળા પરિણામોની આશંકાને કારણે રોકાણકારોએ ઇન્ટેલના શેરમાં ભારે વેચવાલી કરી છે.

કંપનીએ આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો ગણાવ્યાં છે: ઇઝરાયલમાં આવેલા તેના ઉત્પાદન પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના અને પર્સનલ કમ્પ્યુટર (PC) માર્કેટમાં ચાલી રહેલી મંદી.

ઇન્ટેલના શેરમાં આ ઘટાડાથી અમેરિકન સરકાર અને ચિપ કંપની એનવિડિયાને મોટું નુકસાન થયું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે એક વર્ષ પહેલાં ઇન્ટેલમાં 10% હિસ્સો ખરીદ્યો હતો. શુક્રવારના ઘટાડાને કારણે સરકારી હિસ્સાની કિંમતમાં લગભગ 12 અબજ ડૉલર (આશરે ₹1 લાખ કરોડ)નો ઘટાડો થયો છે, જોકે સરકારનું રોકાણ હજુ પણ નફામાં છે. બીજી તરફ, ઇન્ટેલમાં મોટો હિસ્સો ધરાવતી એનવિડિયાને પણ આશરે 6 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

ઇન્ટેલના નબળા પરિણામો અને માર્ગદર્શન પાછળ ઇઝરાયલ સ્થિત તેની ફેબ્રિકેશન યુનિટ (ફેબ)માં થયેલો અકસ્માત મુખ્ય કારણ છે. આ મહિનાની શરૂઆતમાં ઇઝરાયલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં બે કર્મચારીઓનાં મોત થયાં હતાં અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સીઈઓ લિપ-બૂ ટેને આને 'દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ અકસ્માત' ગણાવ્યો હતો અને જણાવ્યું કે વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં કામ લાંબા સમય માટે બંધ રાખવું પડ્યું, જેના કારણે ઇન્ટેલની 10-નેનોમીટર ચિપ્સનો પુરવઠો પ્રભાવિત થયો છે. કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) ડેવિડ ઝિન્સનરના જણાવ્યા મુજબ, આ અકસ્માતને કારણે કંપનીને બે ત્રિમાસિક ગાળામાં લગભગ 600 મિલિયન ડૉલર (આશરે ₹5,000 કરોડ)ની આવકનું નુકસાન થશે.

પીસી માર્કેટમાં મંદી અંગે CFO ઝિન્સનરે જણાવ્યું કે, 'અમને લાગે છે કે પીસી માર્કેટમાં મંદી ઓછામાં ઓછા આવતા વર્ષની પ્રથમ છમાસિકી (H1 2026) સુધી ચાલુ રહેશે. તેમ છતાં, ભવિષ્યની વૃદ્ધિ અને પુરવઠો વધારવા માટે અમે ક્ષમતા અને કાર્યકારી મૂડીમાં શિસ્તબદ્ધ રોકાણ ચાલુ રાખીશું.'

આ કારણોસર ઇન્ટેલે ચાલુ ત્રિમાસિક ગાળા માટે 15 અબજ ડૉલરથી 16 અબજ ડૉલરની આવકનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે નિષ્ણાતોના 17.1 અબજ ડૉલરના અંદાજ કરતાં ઘણો ઓછો છે.

ઇન્ટેલના આંચકાથી સમગ્ર ટેક અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પ્રભાવિત થયું છે. શુક્રવારે ટેક-હેવી ઇન્ડેક્સ નાસ્ડેક 2.9% ઘટીને બંધ થયો. આલ્ફાબેટના શેર ગુરુવારે 12%થી વધુ તૂટ્યા બાદ (કંપનીના ઇતિહાસનો સૌથી ખરાબ દિવસ) શુક્રવારે પણ ઘટાડા સાથે બંધ થયા. એમેઝોને ત્રીજા ત્રિમાસિક ગાળામાં આવક અને નફા બંનેમાં નબળા પ્રદર્શન બાદ 1.4% ઘટાડો નોંધાવ્યો. સેમિકન્ડક્ટર શેરમાં એનવિડિયા 4%, બ્રોડકોમ 5%થી વધુ અને ક્વાલકોમ 11% તૂટ્યા છે.