સત્ય. સાહસ. સંકલ્પ.

INS માંગરોળ: ભારતીય નૌકાદળમાં જોડાયું સ્વદેશી યુદ્ધ જહાજ, જાણો ગુજરાતના માંગરોળ સાથેનો સંબંધ

INS માંગરોળ: ભારતીય નૌકાદળમાં જોડાયું સ્વદેશી યુદ્ધ જહાજ, જાણો ગુજરાતના માંગરોળ સાથેનો સંબંધ

ગયા મહિને 12 ઓક્ટોબરે ભારતીય નૌકાદળમાં એક નવું સ્વદેશી યુદ્ધ જહાજ 'INS માંગરોળ' સામેલ થયું. આ જહાજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસેલા માંગરોળ શહેર પરથી નામ ધરાવે છે. આ પહેલાં પણ 1983 થી 2004 દરમિયાન INS માંગરોળ નામનું એક જહાજ નૌકાદળમાં હતું, જે માઇનસ્વીપર હતું અને દરિયામાંથી સુરંગ શોધવાનું કામ કરતું હતું. 22 વર્ષ બાદ ફરીથી આ નામ નૌકાદળમાં જોડાયું છે.

INS માંગરોળની વિશેષતાઓ

INS માંગરોળ સંપૂર્ણ સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેમાં 80 ટકાથી વધુ સામગ્રી ભારતમાં બનેલી છે. તેને કોચીન શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે અને તે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ તૈયાર થયું છે. આ ત્રીજું એન્ટી-સબમરીન વોરશિપ છે જે કોચીન શિપયાર્ડમાં બન્યું છે.

આ જહાજ સબમરીનોને શોધવા અને પાણીની નીચેથી આવતા જોખમોનો સામનો કરવા માટે સજ્જ છે. તે છીછરા દરિયાઈ વિસ્તારોમાં પણ દુશ્મનોનો પીછો કરી શકે છે. જહાજ પર 'અભય' નામનું હલ માઉન્ટેડ સોનાર લગાવવામાં આવ્યું છે, જે પાણીની અંદરની વસ્તુઓને શોધવામાં મદદ કરે છે. તેમાં હળવા ટોર્પિડો, સ્વદેશી એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર અને 'મારીચ' નામની અદ્યતન ટોર્પિડો ડિકોય સિસ્ટમ પણ છે.

જહાજમાં ત્રણ ડીઝલ એન્જિન અને વોટર-જેટ પ્રપોલ્શન સિસ્ટમ છે. આ સિસ્ટમ દરિયાના પાણીને ફોર્સથી ધક્કો મારીને ગતિ પકડે છે અને છીછરા પાણીમાં ઝડપથી દિશા બદલી શકે છે.

માંગરોળ નામ કેમ પડ્યું?

INS માંગરોળનું નામ ત્રણ કારણોસર રાખવામાં આવ્યું છે. પ્રથમ, ગુજરાતના માંગરોળ શહેર પરથી, જે દરિયાકાંઠાનું નગર અને માછીમારી માટે મહત્વનું બંદર છે. બીજું, પહેલાંના INS માંગરોળ (માઇનસ્વીપર, 1983–2004)ના વારસાને આગળ ધપાવવા માટે. ત્રીજું, 1971ના યુદ્ધમાં કરાચી પર હુમલો કરીને પાછા ફરતી વખતે ભારતીય નૌકાદળને માંગરોળ બંદર ઉપયોગી થયું હતું.

નિવૃત્ત નૌકા અધિકારી મનન ભટ્ટના જણાવ્યા અનુસાર, 1971ના યુદ્ધમાં ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી પર ઓપરેશન ટ્રાઈડેન્ટ ચલાવ્યું હતું. પાકિસ્તાનને લાગ્યું હતું કે આ હુમલો ભારતીય વાયુસેનાએ કર્યો છે, તેથી તેણે આકાશમાં એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલો છોડી હતી. કરાચીથી પાછા ફરી રહેલા ભારતીય નૌકાદળના જહાજોએ સૌરાષ્ટ્રના માંગરોળ બંદરે ડીઝલ ભરાવીને મુંબઈ રવાના થયા હતા. આ રીતે નૌકાદળ માટે માંગરોળ બંદર મહત્વનું રહ્યું છે.

યુદ્ધ જહાજોના નામ કેવી રીતે પડે છે?

રક્ષા મંત્રાલયની 'ઇન્ટરનલ નોમેનક્લેચર કમિટી' (INC) જહાજો અને સબમરીનોના નામ રાખવાનું કામ કરે છે. INCના પ્રમુખ 'આસિસ્ટન્ટ ચીફ ઓફ નેવલ સ્ટાફ' હોય છે. તેના અન્ય સભ્યોમાં ડિફેન્સ મંત્રાલયના હિસ્ટોરિકલ ડિપાર્ટમેન્ટ અને માનવ સંશાધન વિકાસ મંત્રાલયના આર્કિયોલોજી વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળના ચીફ રહી ચૂકેલા વિષ્ણુ ભાગવતે 'ધ પ્રિન્ટ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "નેવીના વોરશિપ અને સબમરીનોનાં નામ ભારતીય ગણરાજ્યની વિવિધ વિશેષતાઓના આધારે રાખવાની પરંપરા ખૂબ સારી છે. આ રીતે નામ રાખવાથી અમે ભારતની વિવિધતા દર્શાવી શકીએ છીએ. જ્યારે હું સેવામાં હતો, ત્યારે કાશ્મીરના નામ પરથી એક જહાજનું નામ રાખવા માગતો હતો, પણ એ સમયે સરકારે મને એવું કરવાની મંજૂરી આપી નહોતી."

ભાગવતે વધુમાં જણાવ્યું કે ઘણીવાર અગાઉ સેવામાંથી હટાવવામાં આવેલા જહાજોના નામ પર જ નવા જહાજોનાં નામ રાખવામાં આવે છે. એક જ પ્રકારનાં જહાજોમાં એકરૂપતા જાળવવા માટે INC કેટલીક નીતિગત ગાઈડલાઈનનું પાલન કરે છે. ઉદાહરણ તરીકે, એરક્રાફ્ટ કેરિયરોને અમૂર્ત નામ આપવામાં આવે છે, ફ્રિગેટનાં નામ પર્વતમાળાઓ, નદીઓ અથવા શસ્ત્રોના નામ પરથી રાખવામાં આવે છે, અને કોર્વેટ્સનાં નામ અલગ અલગ શહેરો કે ભારતની ઓળખ પરથી રાખવામાં આવે છે.