સત્ય. સાહસ. સંકલ્પ.

INS બેતવાનું આધુનિકીકરણ: સંરક્ષણ મંત્રાલયે કોચીન શિપયાર્ડ સાથે રૂ. 498.58 કરોડનો કરાર કર્યો

INS બેતવાનું આધુનિકીકરણ: સંરક્ષણ મંત્રાલયે કોચીન શિપયાર્ડ સાથે રૂ. 498.58 કરોડનો કરાર કર્યો

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS બેતવાને આધુનિક બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) સાથે રૂ. 498.58 કરોડનો કરાર કર્યો છે. 11 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં આ કરાર થયો હતો.

કરાર મુજબ બ્રહ્મપુત્ર ક્લાસના ફ્રિગેટ INS બેતવાનું સામાન્ય રિફિટિંગ અને રી-પાવરિંગ કરવામાં આવશે. જહાજમાં રહેલી જૂની સ્ટીમ આધારિત પ્રોપલ્શન સિસ્ટમ હટાવીને તેની જગ્યાએ આધુનિક ડીઝલ એન્જિન સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ જહાજની લડાયક ક્ષમતા વધારવા માટે નવો હથિયાર સ્યુટ પણ બેસાડવામાં આવશે.

આ પ્રોજેક્ટનો ફાયદો સ્વદેશી ઉદ્યોગને પણ થશે. 50થી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) આ કામમાં ભાગીદાર બનશે. જહાજ રિપેરિંગ અને જાળવણીના ક્ષેત્રે દેશની ટેકનોલોજી મજબૂત થશે અને સહાયક ઉદ્યોગોમાં નવી રોજગારી ઊભી થશે.

સંરક્ષણ મંત્રાલયે આ કરારને આત્મનિર્ભર ભારત અભિયાનની દિશામાં મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. INS બેતવા જેવા અનુભવી જહાજને નવી ટેકનોલોજીથી સજ્જ કરવાથી નૌકાદળ પોતાની ઓપરેશનલ તૈયારી લાંબા સમય સુધી મજબૂત રાખી શકશે.