દેશની બીજા નંબરની સૌથી મોટી IT સેવા કંપની ઇન્ફોસિસે જુલાઈ-સપ્ટેમ્બર (Q2 FY27) ત્રિમાસિક ગાળામાં ₹49,244 કરોડની આવક નોંધાવી છે. ગયા વર્ષના આ જ સમયગાળામાં આવક ₹44,490 કરોડ હતી, એટલે કે 11%નો વધારો થયો છે.
આવક સાથે નફામાં પણ 6%નો વધારો થયો છે. કંપનીનો ચોખ્ખો નફો ₹7,823 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં ₹7,364 કરોડ હતો.
આવક વધવાનું મુખ્ય કારણ કંપનીને મળેલા રેકોર્ડ ₹50 હજાર કરોડ (5.2 બિલિયન ડોલર)ના મોટા ઓર્ડર છે. આમાંથી 62% નવા બિઝનેસમાંથી આવ્યા છે અને $2 બિલિયન (આશરે ₹20 હજાર કરોડ)થી વધુનો એક મોટો સોદો પણ સામેલ છે.
આ ઉપરાંત AI સેવાઓની માંગમાં 29%નો ઉછાળો થયો છે, જેનાથી કુલ આવકમાં AIનું યોગદાન વધીને 10.5% થઈ ગયું છે.
કંપનીએ રોકાણકારોને દરેક શેર પર ₹26નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે ગયા વર્ષ કરતાં 13% વધુ છે. ડિવિડન્ડ એટલે કંપની પોતાના નફાનો એક હિસ્સો શેરધારકોને આપે છે.
બીજી તરફ, ઇન્ફોસિસનો શેર આજે લગભગ સ્થિર રહીને ₹1,154 પર બંધ થયો. આ વર્ષે શેરમાં 29%થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટી 50માં લગભગ 13%નો ઘટાડો નોંધાયો છે. એટલે બજાર કરતાં ઇન્ફોસિસનું પ્રદર્શન નબળું રહ્યું છે. કંપનીનું માર્કેટ કેપ આશરે ₹4.78 લાખ કરોડ છે.
કંપનીએ આ ત્રિમાસિકમાં 4,480 નવા કર્મચારીઓની ભરતી કરી છે. હવે ઇન્ફોસિસમાં કુલ કર્મચારીઓની સંખ્યા 3,32,542 થઈ ગઈ છે. અગાઉના ત્રિમાસિકમાં 532 કર્મચારીઓની સંખ્યા ઘટી હતી, જેથી પ્રથમ છમાસિક ગાળામાં કુલ 3,948 કર્મચારીઓ જોડાયા છે.
નોકરી છોડનારા કર્મચારીઓનો દર (એટ્રિશન) થોડો ઘટીને 12.7% થયો છે, જે પહેલાં 13% હતો. Q2માં કંપનીએ કોલેજ પાસઆઉટ 8,000થી વધુ ફ્રેશર્સને નોકરી આપી છે. આખા વર્ષમાં 20,000 ફ્રેશર્સને નોકરી આપવાનું લક્ષ્ય છે, જેમાંથી પ્રથમ છમાસિકમાં 12,000થી વધુને નોકરી આપીને અડધાથી વધુ લક્ષ્ય પૂરું કર્યું છે.
સારા પરિણામો છતાં કંપનીએ આ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 1-2% કર્યું છે, જે પહેલાં 1.5-3% હતું. CFO જયેશ સંઘરાજકાએ જણાવ્યું કે બજારમાં કડક સ્પર્ધા, ગ્રાહકો દ્વારા ઓછા ભાવની માંગ અને વધુ ઉત્પાદકતાની અપેક્ષાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. AIની વધતી અસરને કારણે ભારતીય IT ક્ષેત્રના જૂના બિઝનેસ મોડલ પર દબાણ છે અને ગ્રાહકો હવે કામના કલાકોને બદલે ટેક્નોલોજીથી થતી ઉત્પાદકતા પ્રમાણે ફી આપવા લાગ્યા છે.
કંપનીનું ઓપરેટિંગ માર્જિન 21.0% રહ્યું છે. ખર્ચ પર નિયંત્રણ અને સમજદારીથી કામ કરવાને કારણે નફો સ્થિર રહ્યો છે. કંપનીને $928 મિલિયન (₹8,806 કરોડ)નો ફ્રી કૅશ ફ્લો મળ્યો, જે ચોખ્ખા નફાના 113.3% છે. આ કંપનીની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.
નિષ્ણાતોના મતે આવક અને નફામાં વધારો દર્શાવે છે કે પડકારજનક વૈશ્વિક આર્થિક માહોલમાં પણ ઇન્ફોસિસની વૃદ્ધિ યોગ્ય દિશામાં છે. ડિવિડન્ડનો નિર્ણય રિટેલ અને મોટા રોકાણકારોનો વિશ્વાસ વધારશે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ક્લાઉડ સેવાઓના નવા ઓર્ડરથી ઓર્ડર બુક મજબૂત બની રહી છે.
કંપનીની મજબૂત સ્થિતિના સંકેતોમાં સતત વધતી આવક, વેચાણ કરતાં ધીમો ખર્ચ, સતત વધતો નફો, EBITDAમાં વધારો, EPSમાં વધારો અને હકારાત્મક ફ્રી કેશ ફ્લોનો સમાવેશ થાય છે.