સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના જંગલમાં બિરાજમાન ઇન્દ્રેશ્વર મહાદેવ: જ્યાં ઇન્દ્રદેવે તપશ્ચર્યા કરી, નરસિંહ મહેતાએ શિવજીને રિઝવ્યા

જૂનાગઢના જંગલમાં બિરાજમાન ઇન્દ્રેશ્વર મહાદેવ: જ્યાં ઇન્દ્રદેવે તપશ્ચર્યા કરી, નરસિંહ મહેતાએ શિવજીને રિઝવ્યા

જૂનાગઢના જંગલ વિસ્તારમાં અનેક પૌરાણિક શિવાલય આવેલા છે. તેમાંનું એક પ્રચલિત અને પુરાણપ્રસિદ્ધ શિવાલય એટલે ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’નું મંદિર. ગિરનાર પર્વતમાળાના એક ભાગ સમા જોગણિયા ડુંગરની નજીક, જંગલની વચ્ચે બિરાજમાન આ મંદિર સાથે ઇન્દ્રદેવ અને આદિ કવિ નરસિંહ મહેતાની લોકવાયકાઓ જોડાયેલી છે. એવી માન્યતા છે કે નરસિંહ મહેતાએ અહીં મહાદેવને રિઝવ્યા હતા અને છ મહિના સુધી શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા હતા. આવો જાણીએ ઇન્દ્રેશ્વર મહાદેવની રોચક ગાથા.

શું છે પૌરાણિક કથા?

એક દંતકથા પ્રમાણે, સતયુગમાં ઇન્દ્રદેવે ગૌતમ ઋષિના પત્ની દેવી અહલ્યા સાથે કપટ કર્યું હતું. તેના પરિણામે ગૌતમ ઋષિએ ઇન્દ્રદેવને ક્ષણભંગ (કોઢ) થવાનો શ્રાપ આપ્યો હતો. આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે નારદમુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિપૌરાણિક જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી અને મહાદેવની આરાધના કરી હતી.

ઇન્દ્રેશ્વર મહાદેવના શિવાલયની સામે બાણગંગા કુંડ આવેલો છે. એવું કહેવાય છે કે મહાદેવની સ્થાપના પછી ઇન્દ્રદેવે અહીં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. ત્યારપછી, તેમણે મેળવેલી તપસિદ્ધિ અને નારદજીની પ્રેરણાથી, મંદિરથી દસ ડગલાં દૂર જમીનમાં બાણ મારીને ગંગાને પ્રગટ કરી હતી. તેથી તે ‘બાણગંગા’ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેના ચમત્કારિક જળમાં સ્નાન કરતાં તેમના શરીરનો કોઢ દૂર થયો હતો અને તેઓ દેવલોક પરત ગયા હતા. આ રીતે ઇન્દ્રએ સ્થાપના કરી હોવાથી આ મહાદેવ ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’ તરીકે જાણીતા થયા. એવી માન્યતા છે કે આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણગંગાના જળથી સ્નાન કરે તો તેનો કોઢ દૂર થાય છે. દુષ્કાળના સમયમાં પણ આ કુંડમાંથી ક્યારેય પાણી ખૂટ્યું નથી.

નરસિંહ મહેતા પર મહાદેવ પ્રસન્ન થયા હતા

એક લોકવાયકા એવી પણ છે કે આદિ કવિ નરસિંહ મહેતા અહીં જંગલમાં ગાયો ચરાવવા આવતા હતા. ત્યારે આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેતી થતાં તેઓ ભાવવિભોર થઈ લિંગને બાથ ભરીને બેસી ગયા હતા. તેઓ સતત સાત દિવસ સુધી તપશ્ચર્યા કરી અને મહાદેવે આકાશવાણી સ્વરૂપે કહ્યું કે, ‘નરસિંહ, તું આ લિંગ છોડી દે, હું તારા પર પ્રસન્ન છું.’ ત્યારે નરસિંહ મહેતાએ પોતાના નાગર કુળમાં કોઈ દુઃખી ન રહે તેવું અને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરવાનું વરદાન માગ્યું હતું. ત્યારપછી શિવજીએ તેમને છ મહિના સુધી શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા.

પરિસરમાં આવેલું છે અતિદુર્લભ ગણાતું ગૌરીશંકર વૃક્ષ

ઇન્દ્રેશ્વર મહાદેવની આ પાવન ભૂમિમાં નરસિંહ મહેતાએ એક વડલાના વૃક્ષનું વાવેતર કર્યું હતું, જે આજે પણ હયાત છે અને અહીં આવતા ભક્તોને છાંયડો આપે છે. આ ઉપરાંત અહીં અતિદુર્લભ કહેવાતું ગૌરીશંકરનું વૃક્ષ પણ છે, જેના ફૂલમાં શંકર ભગવાનનું લિંગ, થાળું અને શેષનાગ જોવા મળે છે.

પરિસરમાં મા અન્નપૂર્ણા અને મા ગાયત્રીના દર્શન

ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલી મા અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ, મા અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વર્ષ 1979માં બાંધવામાં આવેલા ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.

અહીં નવાબ રસૂલખાનજીએ ગૌશાળા બનાવી હતી

આ જગ્યામાં રજવાડા સમયે નવાબ રસૂલખાનજીએ ગૌશાળા બંધાવી આપી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. અહીંના મહંત ત્રિગુણાનંદજીની પ્રેરણાથી જૂનાગઢથી રાજકોટ તરફ જતા રોડ સુધીનો રસ્તો નવાબ દ્વારા બનાવી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના નવાબે આ જગ્યા મહંત ત્રિગુણાનંદજીને તામ્રપત્ર પર લખી આપી હતી.