ઈન્ડોનેશિયાના માઉન્ટ અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીમાં રવિવારે જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં નીકળેલી રાખ આકાશમાં લગભગ 50,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ. એરપોર્ટ ઓપરેટરના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટના કારણે 301 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ, જેમાં 58 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. જાન-માલના નુકસાનની હાલ કોઈ જાણકારી નથી.
રાખ ફેલાવાને કારણે તાંગેરાંગના સોએકરનો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બંધ કરવું પડ્યું હતું અને રનવે પર ફ્લાઈટ્સ રોકવી પડી હતી. સિંગાપોર એરલાઈન્સે જકાર્તા આવતી-જતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે, જ્યારે એરએશિયાએ પણ ઘણી ફ્લાઈટ્સ રદ અથવા રિશેડ્યૂલ કરી છે. ગરુડ ઈન્ડોનેશિયાએ મુસાફરોને એરપોર્ટ આવતા પહેલાં તેમની ફ્લાઈટની સ્થિતિ અને સત્તાવાર ડિજિટલ ચેનલ તપાસવાની સલાહ આપી છે.
જ્વાળામુખીની રાખ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે, જેના કારણે ઈન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી BNPB એ લોકોને સાવચેત રહેવા, માસ્ક અને ચશ્મા પહેરવાની સલાહ આપી છે. અનાક ક્રાકાટોઆ શુક્રવારે મોડી રાતથી સતત વિસ્ફોટ કરી રહ્યો છે અને તે 2 જુલાઈથી એલર્ટ લેવલ-3 પર છે, જે ઈન્ડોનેશિયામાં બીજું સૌથી ઊંચું એલર્ટ સ્તર છે. આ ઉપરાંત માઉન્ટ સેમેરુ, મેરાપી, લેવોટોબી લાકી-લાકી અને સિનાબુંગ પણ એલર્ટ લેવલ-3 પર છે.
રવિવારે માઉન્ટ સેમેરુમાં પણ વિસ્ફોટ થયો, જેની રાખ જ્વાળામુખીની ટોચથી લગભગ 1 કિલોમીટર ઉપર સુધી પહોંચી. જ્વાળામુખી મોનિટરિંગ એજન્સી PVMBG એ લોકોને ક્રેટરથી ઓછામાં ઓછા 5 કિલોમીટર દૂર રહેવાની અને ગરમ રાખ તથા લાવાના પ્રવાહ અંગે ચેતવણી આપી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ અનાક ક્રાકાટોઆના વિસ્ફોટથી સુનામીનો ખતરો નથી. આ જ્વાળામુખી એ જગ્યાની નજીક છે જ્યાં ક્યારેક ક્રાકાટોઆ નામનો જ્વાળામુખી હતો. 1883માં થયેલા વિસ્ફોટ બાદ સુનામી આવી હતી જેમાં 36,000થી વધુ લોકો માર્યા ગયા હતા. 2018માં અનાક ક્રાકાટોઆના વિસ્ફોટથી પણ સુનામી આવી હતી, જેમાં જાવા અને સુમાત્રા ટાપુઓ પર 400થી વધુ લોકોના મોત થયા હતા.
ઈન્ડોનેશિયામાં દુનિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, જેની સંખ્યા 120 થી 130 છે. તેમાંથી લગભગ 69 જ્વાળામુખી પર 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. આટલા જ્વાળામુખી હોવાનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તાર 'રિંગ ઓફ ફાયર'માં આવે છે, જ્યાં પૃથ્વીની પ્લેટો વધુ સક્રિય હોય છે.