સત્ય. સાહસ. સંકલ્પ.

ઇન્દિરા ગાંધીની હત્યાના 42 વર્ષ: પોતાના જ અંગરક્ષકોની 30 ગોળીથી થયું હતું મોત

ઇન્દિરા ગાંધીની હત્યાના 42 વર્ષ: પોતાના જ અંગરક્ષકોની 30 ગોળીથી થયું હતું મોત

નવી દિલ્હી: 31 ઓક્ટોબર 1984ની સવારે 9:15 વાગ્યે, 1 સફદરજંગ રોડ પર, તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પોતાના નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યાં. તેમણે કેસરી રંગની કાળી બોર્ડરવાળી સાડી પહેરી હતી. તેઓ બાજુના બંગલા, 1 અકબર રોડ પર જવાનાં હતાં, જ્યાં બ્રિટિશ અભિનેતા અને ફિલ્મ નિર્માતા પીટર ઉસ્તિનોવ તેમનો ઇન્ટરવ્યુ લેવા માટે રાહ જોઈ રહ્યા હતા. તે દિવસે દિવાળી પાસે આવી હતી, હવામાં ફટાકડાની ગંધ હજુ પણ તાજી હતી.

ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાન અને ઓફિસ વચ્ચે એક નાનો વિકેટ ગેટ હતો. સંત્રી બૂથ પાસે બે યુનિફોર્મધારી માણસો ઊભા હતા: સબ-ઇન્સ્પેક્ટર બેઅંત સિંહ, જે દસ વર્ષથી તેમની સુરક્ષામાં હતો અને વિશ્વાસુ ગાર્ડ માનવામાં આવતો હતો, અને કોન્સ્ટેબલ સતવંત સિંહ, જે ફક્ત પાંચ મહિનાથી ફરજ પર હતો. હંમેશની જેમ ઇન્દિરાએ હાથ જોડીને સ્મિત સાથે બેઅંતનું અભિવાદન કર્યું. જવાબમાં બેઅંતે તેની .38 બોરની સરકારી રિવોલ્વર કાઢી અને ઇન્દિરા તરફ તાકીને ટ્રિગર દબાવી દીધું.

પહેલી ગોળી તેમના પેટમાં વાગી. પછી બીજી, પછી ત્રીજી. ઇન્દિરા જમીન પર પડી ગયાં. એવું કહેવાય છે કે તેઓ ફક્ત એટલું જ બોલી શક્યાં: ‘આ તમે શું કરી રહ્યા છો?’ સતવંત સ્તબ્ધ થઈ ગયો. બેઅંતે બૂમ પાડી, ‘જોઈ રહ્યો છો? ફાયર!’ તે સાંભળતાંવેંત સતવંતે પોતાની સ્ટેન કાર્બાઇન ગનનું આખું મેગેઝિન જમીન પર પડેલાં પ્રધાનમંત્રીના શરીરમાં ખાલી કરી દીધું. રામેશ્વર દયાલ, જે તેમને બચાવવા દોડી આવ્યા હતા, તેમને પણ ગોળીઓ વાગી હતી.

પછી સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ. બંનેએ પોતાનાં હથિયારો છોડી દીધાં. બેઅંતે પંજાબીમાં કહ્યું, ‘અમે જે કરવાનું હતું તે કરી લીધું છે. હવે તમે જે કરવા માગો છો તે કરો.’ થોડીવારમાં જ ITBPના સૈનિકો દોડી આવ્યા અને તેમણે આ બંને હુમલાખોરો પર ફાયરિંગ શરૂ કરી દીધું. તેમાં બેઅંતનું મોત થયું. સતવંત ગંભીર રીતે ઘાયલ થયો અને તેને પકડી લેવામાં આવ્યો. ભારતનાં પ્રધાનમંત્રી પોતાના જ ઘરના આંગણામાં મરણાસન્ન અવસ્થામાં પડ્યાં હતાં, તેમના જ સુરક્ષા રક્ષકોની ગોળીઓથી વીંધાયેલાં.

આજથી 42 વર્ષ પહેલાં આ જ દિવસોમાં ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ નિવાસસ્થાને કરપીણ હત્યા કરી દેવાઈ હતી. તેમની હત્યા પહેલાં અને પછી ભારતમાં અત્યંત અશાંતિભર્યો માહોલ રહ્યો હતો. કોઈ વેબ સિરીઝને આંટે તેવી આ હત્યાની ઝીણી વિગતો અત્યારની જનરેશન કદાચ ભૂલી ગઈ હશે. પરંતુ તે જાણીએ ત્યારે ખ્યાલ આવે કે તે સમયે એક્ઝેક્ટ્લી કેવો માહોલ સર્જાયો હશે. આ અઠવાડિયે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ આવી રહી છે ત્યારે આજના ‘ખાખી કવર’માં વાત કરીએ તેમની કરપીણ હત્યા વિશે.

હત્યા થઈ એ જ દિવસે ઇન્દિરાએ બુલેટપ્રૂફ જેકેટ નહોતું પહેર્યું, જે ભૂલ તેમના માટે જીવલેણ નીવડી; ઇન્દિરાને તાત્કાલિક એક સફેદ એમ્બેસેડરમાં એઇમ્સ લઈ જવાયાં.

ગોળીબારના અવાજને સોનિયાએ ફટાકડાનો અવાજ સમજી લીધો! આશ્ચર્યજનક રીતે ઘરની અંદર રહેલાં તેમનાં પુત્રવધૂ સોનિયા ગાંધીને લાગ્યું કે બહાર દિવાળીના ફટાકડા ફૂટી રહ્યા છે. ‘ધ રેડ સાડી’ પુસ્તક મુજબ જ્યારે તેમને ખબર પડી કે ઇન્દિરા ગાંધી પર ગોળીબાર થયો છે, ત્યારે તેઓ ચીસો પાડતાં બહાર દોડી આવ્યાં. પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક એમ્બ્યુલન્સ 24 કલાક ફરજ પર રહેતી હતી, પરંતુ રિપોર્ટ પ્રમાણે આ ઘટના બની ત્યારે તેનો ડ્રાઇવર ચા પીવા ગયો હતો.