પટનાથી લખનૌ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ (6E925) પર ગુરુવારે આશરે 17,000 ફૂટની ઊંચાઈએ ખરાબ હવામાન વચ્ચે આકાશી વીજળી પડી હતી. આ ઘટનામાં વિમાનના આગળના ભાગનું નોઝ કોન ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. વિમાનમાં 104 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા.
ઘટના સમયે વિમાન લખનૌ નજીક હતું અને લેન્ડિંગની તૈયારીમાં હતું. વીજળી પડવાથી વિમાનના આગળના ભાગમાં સ્પષ્ટ માળખાકીય નુકસાન થયું હોવા છતાં, વિમાન ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નિર્ધારિત સમય પહેલાં સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
વીજળી પડવા છતાં ફ્લાઇટને મોટું નુકસાન કેમ ન થયું? તેનો જવાબ છે ‘ફેરાડે કેજ’ (Faraday Cage) સિદ્ધાંત. કોમર્શિયલ વિમાનોને આ સિદ્ધાંત પર બનાવવામાં આવે છે, જેમાં વિમાનની બહારની સપાટી પર સતત વાહક (કંડક્ટિવ) કવચ હોય છે. જ્યારે કરોડો વોલ્ટની વીજળી વિમાન પર પડે છે, ત્યારે તેનો કરંટ બહારના ભાગ (જેમ કે નોઝ કોન કે પાંખના છેડા) પરથી પ્રવેશે છે અને બહારની ધાતુની સપાટી કે કોપર ફોઇલની જાળી મારફતે વહીને પાછળના છેડે લાગેલા સ્ટેટિક ડિસ્ચાર્જ વિક્સ દ્વારા સુરક્ષિત રીતે હવામાં નીકળી જાય છે. આ બહારનું વાહક પડ વિમાનની અંદરની કેબિનને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે અને સંવેદનશીલ એવિઓનિક્સ, ફ્યુઅલ ટેન્ક તેમજ મુસાફરોને વીજ કરંટથી બચાવે છે.
ફેરાડે કેજ કેવી રીતે કામ કરે છે? જ્યારે આ કેજ પર વીજળી પડે છે, ત્યારે તેની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન બહારની સપાટી પર ફેલાઈ જાય છે અને બાહ્ય તેમજ આંતરિક વીજભાર ભેગા મળીને કેજની અંદરના વિદ્યુત ક્ષેત્રને શૂન્ય કરી દે છે. આથી અંદર રાખેલા ઇલેક્ટ્રોનિક સાધનો (જેમ કે મોબાઇલ ફોન) સુધી કોઈ રેડિયો તરંગો કે સિગ્નલ પહોંચી શકતા નથી. આ સિદ્ધાંતની શોધ વર્ષ 1836માં વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેએ કરી હતી.
ફેરાડે કેજનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થાય છે. હોસ્પિટલોમાં MRI સ્કેન રૂમને બહારના રેડિયો તરંગોથી સુરક્ષિત રાખવા માટે ફેરાડે કેજની જેમ બનાવવામાં આવે છે. કારમાં મુસાફરી વખતે વીજળી પડે ત્યારે કારની ધાતુની બોડી ફેરાડે કેજ તરીકે કામ કરતી હોવાથી અંદર બેઠેલા લોકો સુરક્ષિત રહે છે. ટેક્નોલોજી ક્ષેત્રે સંવેદનશીલ વૈજ્ઞાનિક સાધનો અને ડેટાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરેન્સ (EMI)થી બચાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
વિમાનનું નાક જ કેમ તૂટ્યું? વિમાનના નોઝ કોનને તકનીકી ભાષામાં ‘રેડોમ’ (Radome) કહેવાય છે. તે હવામાં ઊડતી વખતે વીજળી પડવાની સ્થિતિમાં સૌથી નબળો હિસ્સો સાબિત થાય છે. વિમાનના બાકીના ભાગમાં મેટાલિક એલોય અથવા વાહક કોપર જાળીવાળા કમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ થાય છે, પરંતુ રેડોમને નોન-મેટાલિક ફાઇબર ગ્લાસ કે કમ્પોઝિટ મટિરિયલથી બનાવવું ફરજિયાત હોય છે, કારણ કે વેધર રડાર ડિશ સીધી આ નોઝ કોનની અંદર જ ફીટ કરવામાં આવેલી હોય છે. જો નાકના ભાગમાં ધાતુનું આવરણ મૂકવામાં આવે તો તે માઇક્રોવેક રડાર સિગ્નલોને બ્લોક કરી દે, જેનાથી પાઇલટ તોફાની વાદળો જોઈ શકતા નથી. રેડોમમાં વિમાનની મુખ્ય બોડી (ફ્યુઝલેજ) જેવું સતત વાહક પડ ન હોવાથી, વીજળી પડતી વખતે ઇલેક્ટ્રિકલ આર્ક વિમાનની મેટલ બોડી સુધી પહોંચે તે પહેલાં જ તે ચોક્કસ ભાગમાં ભારે ગરમીથી મોટું નુકસાન થાય છે, માળખું દબાઈ જાય છે અથવા સપાટી પર કાણું પડી જાય છે.