દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મંગળવારથી મોંઘી થઈ જશે. કંપનીએ સ્થાનિક ફ્લાઇટ્સમાં 1,300 રૂપિયા સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 10,000 રૂપિયા સુધીનો વધારાનો ફ્યુઅલ સરચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 6 ઓક્ટોબરની રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થશે.
ઇન્ડિગોએ છ મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો છે. આ પહેલાં એરલાઇને આ વર્ષે 14 માર્ચે અને ત્યારબાદ 1 એપ્રિલે ભાડામાં વધારો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા મુજબ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
1 ઓક્ટોબરથી સ્થાનિક એરલાઇન્સ માટે જેટ ફ્યુઅલની કિંમત 121 રૂપિયાથી વધીને 137 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક લિટર ATFની કિંમતમાં 16 રૂપિયા (લગભગ 13.2 ટકા)નો વધારો થયો છે. ઓગસ્ટ 2026માં આ ભાવ 5 રૂપિયા પ્રતિ લિટર, સપ્ટેમ્બરમાં 6.28 રૂપિયા પ્રતિ લિટર અને ઓક્ટોબરમાં 16 રૂપિયા પ્રતિ લિટર વધ્યો છે. એટલે કે ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલ 27.28 રૂપિયા મોંઘું થયું છે. ઇન્ડિગોના જણાવ્યા અનુસાર, માત્ર એક મહિનામાં જેટ ફ્યુઅલના ભાવ 14 ટકાથી વધુ વધી ચૂક્યા છે અને છેલ્લા 10 વર્ષમાં તે સૌથી મોંઘું થઈ ગયું છે.
એરલાઇન્સ માટે જેટ ફ્યુઅલ સૌથી મોટો ખર્ચ હોય છે. કુલ ઓપરેટિંગ ખર્ચમાં તેનો હિસ્સો 30 ટકાથી 40 ટકા હોય છે. જેટ ફ્યુઅલના ભાવ વધવાને કારણે દુનિયાભરની એરલાઇન્સે માત્ર ટિકિટના ભાવ જ વધાર્યા નથી, પરંતુ પોતાના ભાવિ નાણાકીય અંદાજો એટલે કે ફાઇનાન્શિયલ આઉટલુકને પણ પાછા ખેંચી લીધા છે. એર ન્યૂઝીલેન્ડ અને ક્વાન્ટાસ જેવી મોટી કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર નાખશે.