લખનઉથી સાઉદી અરેબિયાના દમામ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-097માં ટિશ્યૂ પેપર પર 'બોમ્બ' લખેલી ચિઠ્ઠી મળી આવતાં અફડાતફડી સર્જાઈ હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંજે 5:55 વાગ્યે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત 133 લોકો હાજર હતા. ફ્લાઇટમાં 120થી વધુ મુસાફરો સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ એરપોર્ટની સિક્યુરિટી એજન્સી, ફાયરની ટીમ અને બોમ્બ સ્કોડ સહિતની વિવિધ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. તપાસના ભાગરૂપે તમામ મુસાફરો પાસેથી ટિશ્યૂ પેપર પર લખાવીને હસ્તાક્ષરના નમૂના લેવામાં આવી રહ્યા છે.
ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી. આ ઘટના સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ 10 દિવસ પહેલા પણ આવી જ ધમકી મળી હતી. સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સફેદ કલરના ટિશ્યૂ પેપર પર કાળી પેનથી 'BOMB DEAD 4:30' લખેલું મળી આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.
આ ઉપરાંત, 10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 'ગુજરાત બોલશે ખાલિસ્તાન ઝિંદાબાલ' લખેલા ઈમેલમાં બપોરે 1:11 વાગ્યે શાળામાં અને 2:11 વાગ્યે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.