ગુરુવારે સાંજે લખનઉથી દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E97માં બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં સવાર તમામ 107 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત કુલ 113 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી ટર્મિનલ-2 ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ક્રૂ મેમ્બરને એક ટીસ્યુ પેપર મળ્યું હતું, જેના પર ‘બોમ્બ’ લખેલું હતું. આ જોઈને ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકા ઉભી થઈ હતી. પાયલટે તરત જ સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. ફ્લાઈટે લખનઉથી 16:17 વાગ્યે ટેકઓફ કર્યું હતું અને ત્યારબાદ તેને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટે અમદાવાદ એરપોર્ટ પર 17:43 વાગ્યે લેન્ડિંગ કર્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થયા બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે ટર્મિનલ-2 ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર જરૂરી સુરક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. SOG, સ્થાનિક પોલીસ અને CISFની ટીમોએ ફ્લાઈટનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. ફ્લાઈટના અંદરના ભાગો તેમજ અન્ય સંભવિત સ્થળોએ સુરક્ષા ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તપાસમાં ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે બોમ્બની ધમકી સાથે જોડાયેલી તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે. ટીસ્યુ પેપર કોણે મૂક્યું અને ધમકી પાછળનું કારણ શું છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીનું કારણ અને વિમાનની અંદર તપાસ દરમિયાન શું મળ્યું તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.