સત્ય. સાહસ. સંકલ્પ.

લખનઉ-દમામ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બની ધમકી: અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

લખનઉ-દમામ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બની ધમકી: અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

લખનઉથી દમામ જઈ રહેલી ઇન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 6E 097માં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ વિમાનને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

લખનઉથી સાંજે લગભગ 4 વાગે ઉડ્યા બાદ વિમાન અમદાવાદ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે જ વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. પાયલટે તરત જ અમદાવાદ એટીસીને જાણ કરી, જેથી વિમાન સાંજે લગભગ 5.55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું. લેન્ડ થયા બાદ વિમાનને નિયમિત પાર્કિંગ એરિયામાં લઈ જવાને બદલે આઇસોલેશન એરિયામાં ખસેડવામાં આવ્યું. ત્યાર બાદ વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા.

બોમ્બની ધમકીના પગલે એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. વિમાનને આઇસોલેશન એરિયામાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા એરક્રાફ્ટની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની તપાસ સાથે સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાલમાં ધમકીનું ચોક્કસ કારણ અને વિમાનની તપાસમાં શું મળ્યું તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.