સત્ય. સાહસ. સંકલ્પ.

ઈન્ડિગોની વધારાની સેવાઓ મોંઘી: શિશુ ટિકિટ રૂ. 3,000, વધારાના સામાનનો ચાર્જ રૂ. 800 પ્રતિ કિલો

ઈન્ડિગોની વધારાની સેવાઓ મોંઘી: શિશુ ટિકિટ રૂ. 3,000, વધારાના સામાનનો ચાર્જ રૂ. 800 પ્રતિ કિલો

દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગો (IndiGo)એ પોતાની વધારાની સેવાઓ (Ancillary Services)ના ચાર્જમાં વધારો કર્યો છે. આ વધારાની અસર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર મુસાફરી કરતા લોકોને થશે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વધારામાં વધારાનો સામાન (Excess Baggage), શિશુ ટિકિટ, એકલા પ્રવાસ કરતા સગીર બાળકો માટેની સેવા તેમજ પ્રાયોરિટી ચેક-ઈન અને બોર્ડિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

વધારાના સામાન પર પ્રતિ કિલો રૂ. 100 વધુ

ઘરેલુ ફ્લાઈટ્સમાં નિયત મર્યાદા કરતાં વધુ સામાન (Excess Baggage) લઈ જવા પર લાગતો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. હવે મુસાફરોએ વધારાના સામાન માટે પ્રતિ કિલોગ્રામ રૂ. 700ના બદલે રૂ. 800 ચૂકવવા પડશે. એટલે કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા બદલ હવે પ્રતિ કિલો રૂ. 100 વધુ ચૂકવવા પડશે.

શિશુ ટિકિટમાં રૂ. 1,000નો સીધો વધારો

3 દિવસથી લઈને 2 વર્ષ સુધીની ઉંમરના શિશુઓ માટેની ટિકિટનો ચાર્જ રૂ. 2,000થી વધારીને રૂ. 3,000 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 5થી 12 વર્ષની ઉંમરના એવા બાળકો, જે કોઈ વાલી કે પુખ્ત વ્યક્તિ વિના એકલા મુસાફરી કરે છે, તેમની સેવા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ ફ્લાઈટ્સ માટે આ ચાર્જ રૂ. 5,000થી વધારીને રૂ. 5,999 કરવામાં આવ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે આ સેવાનો ચાર્જ રૂ. 12,999 નક્કી કરવામાં આવ્યો છે.

પ્રાયોરિટી ચેક-ઈન અને ફાસ્ટ ફોરવર્ડ સેવા પણ મોંઘી

ઈન્ડિગોની ફાસ્ટ ફોરવર્ડ સર્વિસ હેઠળ મુસાફરોને પ્રાયોરિટી ચેક-ઈન અને બોર્ડિંગ જેવી સુવિધાઓ મળે છે. આ સેવાના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો તરફથી આ ચાર્જ વધારાની સત્તાવાર જાહેરાત અથવા લિસ્ટ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મુસાફરોએ ટિકિટ બુક કરતી વખતે અથવા વધારાની સેવાઓ લેતી વખતે નવા ચાર્જની ખાતરી કરી લેવી જોઈએ.