સત્ય. સાહસ. સંકલ્પ.

સેક્રામેટોમાં ભારતીય મહિલાની ગોળી મારીને હત્યા: આરોપીએ પણ આપઘાત કર્યો

સેક્રામેટોમાં ભારતીય મહિલાની ગોળી મારીને હત્યા: આરોપીએ પણ આપઘાત કર્યો

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેક્રામેટો શહેરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. ભારતીય મૂળની 38 વર્ષીય શાલિની ઠાકુરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ 22 વર્ષીય ભારતીય યુવક રોહિતનો હાથ હોવાનું સામે આવ્યું છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી તેનો પીછો કરી રહ્યો હતો. હત્યા બાદ આરોપીએ પણ પોતે ગોળી મારીને આપઘાત કરી લીધો છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ના જણાવ્યા અનુસાર, આરોપી રોહિત જાન્યુઆરીથી જ શાલિનીનો પીછો કરી રહ્યો હતો. તેણે શાલિનીની કાર નીચે એપલ એરટેગ (GPS ટ્રેકર) લગાવી દીધું હતું, કારના ટાયરમાંથી હવા કાઢી નાખી હતી અને તે નોકરી પર જાય ત્યારે પીછો કરીને મદદ કરવાનું નાટક કરતો હતો. સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા મુજબ, આરોપીએ શાલિનીના અપાર્ટમેન્ટની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી અને તે સૂતી હતી ત્યારે ઘરમાં ગેરકાયદે ઘૂસણખોરી પણ કરી હતી.

ગત 8 સપ્ટેમ્બરે શાલિની ઠાકુર જ્યારે પોતાની કાર પાસે પહોંચી ત્યારે આરોપી રોહિત ત્યાં આવી પહોંચ્યો હતો. શાલિનીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં રોહિતે તેનો પીછો કર્યો અને પિસ્તોલ કાઢીને તેના પર ઉપરાઉપરી ગોળીઓ ચલાવી હતી. શાલિની જમીન પર પડી ગયા બાદ પણ આરોપીએ નજીક જઈને તેના માથામાં ગોળી મારી દીધી હતી અને બાદમાં પોતાની કાર લઈને નાસી છૂટયો હતો.

સેક્રામેન્ટો કાઉન્ટી કોરોનર ઓફિસના જણાવ્યા અનુસાર, પોલીસે જ્યારે આરોપીની કારને રોકવાનો પ્રયાસ કર્યો અને તેને બહાર આવવા કહ્યું, ત્યારે તપાસમાં જાણ થઈ કે આરોપી રોહિત કારની અંદર જ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી ચૂક્યો છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે, મૃતક રોહિત ભારતનો એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હતો, જે 2023માં એરિઝોના સરહદેથી અમેરિકામાં પ્રવેશ્યો હતો. આ મામલે યુએસ ઓથોરિટીઝ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.