પેરા એશિયન ગેમ્સમાં ભાગ લેવા જાપાનના નાગોયા ગયેલા ભારતીય તરણવીર મોહમ્મદ શમ્સ આલમ શેખને હોટલની મહિલા કર્મચારી સાથે છેડછાડ કરવાના આરોપમાં જાપાનથી પરત મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટના 19 ઑક્ટોબર, સોમવારના રોજ બની હતી, અને 20 ઑક્ટોબર, મંગળવારે તેને ભારત પરત મોકલવામાં આવ્યો. આ માહિતી ગુરુવારે સામે આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, પેરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (PCI) શેખ પર આજીવન પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે. શેખે ગયા વર્ષે રેક્યાવિક ઇન્ટરનેશનલ ગેમ્સમાં 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સ્થાનિક આયોજન સમિતિએ ચીફ-ડી-મિશનને જાણ કરી હતી કે હોટલમાં જાતીય ઉત્પીડન અને છેડતીની ઘટના બની છે. સ્થાનિક પોલીસે ભારતીય ખેલાડીને કસ્ટડીમાં લીધો હતો. જ્યારે અમે હોટેલ પહોંચ્યા ત્યારે પોલીસ અને હોટેલના અધિકારીઓ ત્યાં હાજર હતા. અમને જણાવવામાં આવ્યું કે ખેલાડીએ હાઉસકીપિંગ સ્ટાફની એક મહિલા કર્મચારીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો, અશ્લીલ ઇશારા કર્યા અને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો.
ફરિયાદ મળ્યા બાદ જાપાનની પોલીસે 40 વર્ષના શેખને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે ધરપકડ કરીને મામલો અદાલત સમક્ષ રજૂ કરવાની માગણી કરી હતી. ત્યારબાદ સ્થાનિક આયોજન સમિતિએ દરમિયાનગીરી કરી. ભારતીય ટીમે મહિલા કર્મચારીને લેખિત માફી આપવા અને ખેલાડીને જાપાનથી પરત મોકલવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, શેખને રાત વિતાવવા માટે બીજી હોટલમાં મોકલવામાં આવ્યા અને મંગળવારે નાગોયાથી ભારત રવાના કરી દેવામાં આવ્યા.
મોહમ્મદ શમ્સ આલમ શેખ બિહારના મધુબની જિલ્લાના વતની છે અને મુંબઈના ધારાવી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેણે 2018માં ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 200 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2025માં આઇસલેન્ડના રેક્યાવિકમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ગેમ્સમાં તેણે 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ભારતીય તથા એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. શેખ 2026 એશિયન પેરા ગેમ્સમાં સતત ત્રીજી વખત ભાગ લેવાનો હતો, પરંતુ આરોપો બાદ તેને સ્પર્ધામાંથી પરત ફરવું પડ્યું છે. શેખ પુરુષોની 100 મીટર બટરફ્લાય S5 અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક SB4 સ્પર્ધાઓમાં વિશ્વના નંબર-1 સ્વિમર રહી ચૂક્યો છે.