સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 13.5% ઘટાડો, માસ્ટર્સ ડિગ્રીમાં સૌથી વધુ અસર

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 13.5% ઘટાડો, માસ્ટર્સ ડિગ્રીમાં સૌથી વધુ અસર

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ (SEVIS)ના તાજા આંકડા મુજબ, અમેરિકામાં સક્રિય ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ષમાં 13.5 ટકા ઘટીને 3,16,893 થઈ ગઈ છે. અગાઉ આ સંખ્યા 3,66,258 હતી, એટલે કે એક જ વર્ષમાં 49,365 વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

આ ઘટાડો ખાસ કરીને માસ્ટર્સ ડિગ્રીના અભ્યાસક્રમોમાં વધુ જોવા મળ્યો છે. માસ્ટર્સ ડિગ્રી માટે અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2,92,929થી ઘટીને 2,34,034 થઈ છે, જે 20.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ, PhD કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 28,609થી વધીને 41,729 થઈ છે, જે 45.9 ટકાનો વધારો છે. આ આંકડા દર્શાવે છે કે વિદ્યાર્થીઓ હવે માત્ર યુનિવર્સિટીની રેન્કિંગને બદલે ખર્ચ અને કારકિર્દીની સંભાવનાઓને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.

અમેરિકામાં કુલ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર 2025માં 12,83,240 વિદેશી વિદ્યાર્થીઓ હતા, જે ઓક્ટોબર 2026માં ઘટીને 11,92,572 થયા છે, એટલે કે 7.1 ટકાનો ઘટાડો. ચીનથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 10.2 ટકા ઘટીને 2,20,157 થઈ છે. તેમ છતાં, વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા સ્ત્રોત તરીકે ભારતનું સ્થાન યથાવત્ છે.

આ ઘટાડા પાછળ ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. અભ્યાસનો વધતો ખર્ચ, વિઝા સંબંધિત અનિશ્ચિતતા અને ડિગ્રી પૂર્ણ કર્યા બાદ નોકરી મળવાની ખાતરી ન હોવી મુખ્ય છે. ટ્યુશન ફી, રહેવાનો ખર્ચ, આરોગ્ય વીમો અને દૈનિક ખર્ચને ધ્યાનમાં લેતાં ભારતીય પરિવારો માટે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પરખું બની ગયું છે. વળી, OPT પ્રોગ્રામ બાદ H-1B વર્ક વિઝા મેળવવામાં આવતી મુશ્કેલીઓ પણ વિદ્યાર્થીઓને અમેરિકા જવાથી રોકી રહી છે.

નોંધનીય છે કે SEVISના આંકડામાં માત્ર નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ અમેરિકામાં સક્રિય વિદ્યાર્થી રેકોર્ડ ધરાવતા અને OPT હેઠળ કામ કરતા અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.