સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેન ટિકિટ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકાય? જાણો રેલવેના નિયમો

ટ્રેન ટિકિટ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકાય? જાણો રેલવેના નિયમો

ભારતીય રેલવેમાં મુસાફરી માટે મોટાભાગના લોકો અગાઉથી ટિકિટ બુક કરાવે છે. જ્યારે જનરલ કોચમાં મુસાફરી કરવા માટે લોકો સમયે ટિકિટ લે છે. પરંતુ ક્યારેક અચાનક કોઈ કામ આવી જાય છે, જેના કારણે મુસાફરીનો આખો પ્લાન બદલવો પડે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા ટિકિટ કેન્સલ કરવી પડે અને રિફંડની ચિંતા થાય છે.

ભારતીય રેલવેના નિયમોમાં એક સુવિધા એવી પણ છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ સુવિધા હેઠળ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં કન્ફોર્મ ટિકિટ પર મુસાફરનું નામ બદલી શકાય છે. એટલે કે, જો ટિકિટ બુક કરાવનાર વ્યક્તિ મુસાફરી ન કરી શકે, તો તેની જગ્યાએ અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકે છે. પરંતુ આ સુવિધા બધા માટે નથી.

રેલવેના નિયમો અનુસાર, વ્યક્તિગત ટિકિટ પર નામ બદલીને પરિવારના કેટલાક નજીકના સભ્યોના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે. જો તમે અન્ય કોઈ કારણોસર ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી, તો તમે કન્ફોર્મ ટિકિટ પરિવારના આ સભ્યોમાંથી કોઈના નામે ટ્રાન્સફર કરી શકો છો: પિતા, માતા, ભાઈ-બહેન, દીકરો-દીકરી અને પતિ-પત્ની.

પાડોશી, કાકા, મામા કે અન્ય કોઈ સંબંધીના નામે આ સુવિધા મળતી નથી. આ માટે ટ્રેનના નિર્ધારિત સમયથી અંદાજે 24 કલાક પહેલા અરજી કરવી જરૂરી છે.

વિદ્યાર્થીઓ માટે પણ એક અલગ જોગવાઈ છે. માન્ય શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીની ટિકિટ તે જ સંસ્થાના બીજા વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા સંસ્થાના વડાને લેખિત અરજી સબમિટ કરવી આવશ્યક છે.