સત્ય. સાહસ. સંકલ્પ.

રેલવેનો નવો નિયમ: 1 ઓક્ટોબરથી ટિકિટ સાથે અસલ ઓળખપત્ર ફરજિયાત, નહીં હોય તો દંડ

રેલવેનો નવો નિયમ: 1 ઓક્ટોબરથી ટિકિટ સાથે અસલ ઓળખપત્ર ફરજિયાત, નહીં હોય તો દંડ

ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખાસ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવશે. તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન મુસાફરોએ ટિકિટ સાથે અસલ (ઓરિજિનલ) ફોટો ઓળખપત્ર રાખવું ફરજિયાત રહેશે.

જો મુસાફર પાસે માન્ય અસલ ઓળખપત્ર નહીં હોય, તો તેની મુસાફરી રદ કરવામાં આવી શકે છે અથવા દંડ થઈ શકે છે. રેલવેના નિયમો અનુસાર, ટિકિટ વગર મુસાફરી કરનારને વિધાઉટ ટિકિટ ગણવામાં આવે છે.

ગ્રુપમાં મુસાફરી કરતા લોકો માટે નિયમ એ છે કે જૂથમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિ પાસે અસલ ફોટો ઓળખપત્ર હોવું જરૂરી છે. ખાસ કરીને ઈ-ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોએ ધ્યાન રાખવું જોઈએ કે તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય લોકોની ઓળખ સાબિત કરવા માટે અસલ આઈડી બતાવી શકાય. જો ગ્રુપમાં કોઈની પાસે પણ અસલ ઓળખપત્ર નહીં હોય, તો તમામ મુસાફરોને માન્ય ટિકિટ વગરના ગણવામાં આવશે.

રેલવે દ્વારા માન્ય ગણાતા ઓળખપત્રોમાં પાસપોર્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સ્ટુડન્ટ આઈડી કાર્ડ, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા સિરિયલ નંબર સાથે જારી કરાયેલું ફોટો ઓળખપત્ર, ફોટો સાથેની બેંક પાસબુક અને બેંક દ્વારા જારી કરાયેલ ફોટો સાથેનું ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે.

આ નિયમનો હેતુ તહેવારોની સીઝનમાં ખોટા ક્વોટા હેઠળ ટિકિટ બુક કરાવતા લોકો પર અંકુશ લાવવાનો છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુસાફરી દરમિયાન ટિકિટની સાથે અસલ ઓળખપત્ર જરૂર રાખે, જેથી કોઈ અનિચ્છનીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.