ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરિવાર કે મિત્રો સાથે બેસવા માટે સીટ બદલવી ઘણા મુસાફરોને સામાન્ય લાગે છે. કેટલીક વાર કોચમાં ખાલી દેખાતી સીટ પર પણ લોકો વિચાર્યા વગર બેસી જાય છે. પરંતુ ભારતીય રેલવેના નિયમો મુજબ આ નાની ભૂલ ભારે પડી શકે છે અને દંડ થઈ શકે છે.
રેલવેના નિયમ પ્રમાણે કોઈની પરવાનગી વગર બીજાની રિઝર્વ સીટ પર બેસવું કે કોચ બદલવું નિયમનો ભંગ ગણાય છે. જે મુસાફરના નામે સીટ બુક થઈ છે, તેનો જ તેના પર અધિકાર હોય છે. મુસાફર સ્ટેશન પરથી ચઢી ન શકે તો સીટ ખાલી રહે છે, પણ બીજી વ્યક્તિ તેના પર બેસી શકતી નથી. આવું કરતાં પકડાય તો ટીટીઈ ગેરકાયદેસર મુસાફરીનો કેસ નોંધી દંડ ફટકારી શકે છે.
જો આરોગ્યને લગતી તકલીફને કારણે લોઅર બર્થની જરૂર હોય, વૃદ્ધ મુસાફર હોય કે પરિવાર સાથે બેસવું હોય, તો પોતે નિર્ણય ન લેવો જોઈએ. ટ્રેનમાં હાજર ટીટીઈને પોતાની સમસ્યા જણાવવી જોઈએ.
જો બર્થ ખાલી થાય અથવા બીજો મુસાફર સીટ બદલવા તૈયાર હોય, તો ટીટીઈ તેમના હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) અથવા ચાર્ટ પર સીટ સત્તાવાર રીતે અપડેટ કરીને આપી શકે છે. ટીટીઈની પરવાનગીથી સીટ બદલવી માન્ય છે અને તેનાથી દંડ કે દલીલબાજી ટળી જાય છે.
કેટલાક લોકો પોતાની કન્ફોર્મ ટિકિટ મિત્રો કે સંબંધીઓને આપી દે છે. ધ્યાન રાખવું જોઈએ કે રેલવેના નિયમો હેઠળ કન્ફોર્મ ટિકિટ બીજાને વેચવી કે ટ્રાન્સફર કરવી ગેરકાયદે છે. ખાસ પરિસ્થિતિમાં માત્ર પરિવારના સભ્યને ટિકિટ ટ્રાન્સફર કરાવવા માટે સ્ટેશન માસ્ટર પાસેથી 24 કલાક પહેલાં અનુમતિ લેવી պડે છે.
જો કોઈ વ્યક્તિ બીજાની ટિકિટ પર મુસાફરી કરતાં પકડાય, તો તેને ટિકિટ વગરના મુસાફર ગણવામાં આવે છે. ટિકિટ આપનાર સામે દંડાત્મક કાર્યવાહી, દંડ કે જેલની સજા પણ થઈ શકે છે.
કાઉન્ટર કે ઓનલાઈન લીધેલી વેટિંગ ટિકિટ ચાર્ટ બન્યા પછી કન્ફોર્મ ન થાય તો તેની સાથે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકાય નહીં. વેટિંગ ટિકિટ સાથે રિઝર્વ કોચમાં પકડાય તો ટીટીઈ દંડ ફટકારીને આગળના સ્ટેશન પર ઉતારી શકે છે.