ભારતીય રેલવેએ મુસાફરોની શાંતિ અને આરામ માટે નવા 'ક્વાયટ આવર્સ' (શાંતિના સમય) નિયમો લાગુ કર્યા છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ટ્રેનમાં મોટેથી સંગીત વગાડવું, રીલ્સ કે વિડિયો જોવા અને સ્પીકર પર ફોન પર વાત કરવા પર કડક પ્રતિબંધ છે. નિયમનો ભંગ કરનાર સામે ₹5,000 સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિયમો 'જન વિશ્વાસ એક્ટ 2026' દ્વારા સંશોધિત 'રેલવે એક્ટ 1989'ની કલમ 145(2) હેઠળ લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદો રેલવે પરિસરમાં અન્ય મુસાફરોને હેરાન કરવાને ગંભીર ગુનો ગણે છે.
નવા નિયમ મુજબ, પ્રથમ વખત પકડાય તો ₹1,000નો દંડ થઈ શકે છે અને ટિકિટ રદ કરીને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવી શકે છે. વારંવાર ભૂલ કરનાર અથવા ચેતવણી બાદ પણ ન માનનાર મુસાફર પર ₹5,000 સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.
ટ્રેનમાં સૌથી વધુ તકલીફ ઇયરફોન વગર રીલ્સ કે વિડિયો જોવાથી, મોટેથી સંગીત વગાડવાથી, સ્પીકર પર ફોન કૉલ કરવાથી અને જોરદાર રિંગટોનથી થાય છે. એસી કોચ જેવી બંધ જગ્યાઓમાં આ અવાજ વધુ ફેલાય છે અને સહયાત્રીઓની ઊંઘ ઉડાડી દે છે.
રેલવેએ ટીટીઇ, કેટરિંગ અને મેન્ટેનન્સ સ્ટાફને પણ રાત્રિ દરમિયાન શાંતિથી કામ કરવાની સૂચના આપી છે જેથી મુસાફરોને ખલેલ ન પહોંચે. જો કોઈ સહયાત્રી નિયમનો ભંગ કરે તો મુસાફરો 139 હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે.