સત્ય. સાહસ. સંકલ્પ.

કન્ફર્મ ટિકિટ હોવા છતાં સીટ ગુમાવી શકાય? જાણો રેલવેનો NT નિયમ

કન્ફર્મ ટિકિટ હોવા છતાં સીટ ગુમાવી શકાય? જાણો રેલવેનો NT નિયમ

ઘણા મુસાફરો માને છે કે કન્ફર્મ ટિકિટ હોય તો સીટ પર પોતાનો પૂરો અધિકાર છે. પરંતુ ભારતીય રેલવેના નિયમોમાં એક એવી જોગવાઈ છે, જેના કારણે તમે તમારી કન્ફર્મ સીટ ગુમાવી શકો છો. આ નિયમ છે NT (Not Turned Up) નિયમ.

માની લો, તમે રાજકોટથી અમદાવાદ માટે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવી છે અને તમને B1 કોચમાં સીટ નંબર 25 મળી છે. ટ્રેન ઉપડ્યા પછી ટીટીઈ ટિકિટ ચેક કરવા આવે છે, પરંતુ તે સીટ પર કોઈ મુસાફર નથી. ટીટીઈ તપાસ કરે છે કે મુસાફર ટ્રેનમાં આવ્યો છે કે નહીં. જો મુસાફર તેની સીટ પર ન મળે, તો ટીટીઈ તેને NT (Not Turned Up) તરીકે નોંધે છે.

આ પછી રેલવેના નિયમ મુજબ, તે ખાલી સીટ બીજા મુસાફરને આપવામાં આવે છે. ખાસ કરીને વેટિંગ લિસ્ટવાળા મુસાફરને આનો ફાયદો થઈ શકે છે. NT નિયમ હેઠળ, જો કોઈ યાત્રી પોતાની નક્કી કરેલી સીટ પર સમયસર ન પહોંચે, તો ટીટીઈ તપાસ બાદ તે સીટ બીજા મુસાફરને ફાળવી દે છે.

તેથી, કન્ફર્મ ટિકિટ હોવા છતાં, તમારે તમારી સીટ પર સમયસર પહોંચવું જરૂરી છે. ટ્રેનમાં ચઢ્યા પછી તરત જ તમારા કોચ અને સીટ પર જાઓ. જો તમે મિત્રો સાથે વાત કરવા માટે બીજા કોચમાં જાઓ છો, તો પાછા ફરતી વખતે તમારી સીટ પર બીજો મુસાફર બેઠેલો હોઈ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે, મુસાફરી દરમિયાન તમારી સીટ અને કોચનું ધ્યાન રાખો.