સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતીય પ્લેટ દર વર્ષે 5 સેમી ખસી રહી છે: હિમાલયથી દિલ્હી સુધી ભૂકંપનું જોખમ, NGRIનો અભ્યાસ

ભારતીય પ્લેટ દર વર્ષે 5 સેમી ખસી રહી છે: હિમાલયથી દિલ્હી સુધી ભૂકંપનું જોખમ, NGRIનો અભ્યાસ

હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના વૈજ્ઞાનિકોએ એક નવો અભ્યાસ કર્યો છે, જેમાં ભારતીય પ્લેટની હલચલ અને હિમાલય ક્ષેત્રમાં ભૂકંપના જોખમને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ 'જિયોફિઝિક્સ ફોર એડવાન્સિંગ સિસ્મોલોજી'માં પ્રકાશિત થયો છે.

અભ્યાસ મુજબ, ભારતીય પ્લેટ તિબ્બત તરફ દર વર્ષે આશરે 5 સેન્ટીમીટરના દરે આગળ વધી રહી છે. આ ટક્કરને કારણે હિમાલયની નીચે લગભગ 100 કિલોમીટર સુધી ભારે દબાણ સર્જાય છે. પરિણામે પ્લેટ કેટલાક ભાગોમાં વળી રહી છે અને કેટલાક ભાગોમાં તૂટી પણ રહી છે.

સંશોધકોએ ગુરુત્વાકર્ષણ, ભૂકંપ અને સેટેલાઇટ માહિતીનો ઉપયોગ કર્યો છે. તેમણે જાણવા મળ્યું કે ભારતીય પ્લેટ દરેક જગ્યાએ એકસરખી રીતે આગળ નથી વધી રહી. કેટલાક વિસ્તારોમાં તે નીચે તરફ વળી રહી છે, તો કેટલાકમાં તૂટી રહી છે. ભારતીય પ્લેટ ઉત્તર તરફ સતત આગળ વધી રહી છે અને સામે યુરેશિયન પ્લેટ છે. બંને પ્લેટો વચ્ચે લાખો વર્ષોથી ટક્કર થઈ રહી છે, જેના કારણે હિમાલયનું નિર્માણ થયું છે. જ્યારે બે પ્લેટો એકબીજા પર દબાણ કરે છે, ત્યારે જમીનની અંદરના ખડકો પર તણાવ વધે છે. આ તણાવ લાંબા સમય સુધી જમા થાય છે અને જ્યારે તે અચાનક બહાર આવે છે, ત્યારે ભૂકંપ આવે છે.

અભ્યાસમાં ગંગાના મેદાન નીચે કેટલીક પ્રાચીન પર્વતીય સંરચનાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં દિલ્હી-હરિદ્વાર, ફૈઝાબાદ અને મુંગેર-સહરસા જેવી સંરચનાઓ સામેલ છે. આ સંરચનાઓ જમીન પર દેખાતી નથી, પરંતુ ધરતીની અંદર મોજૂદ છે અને તેની અસર નીચે બનતા દબાણ પર પડી શકે છે.

સંશોધન મુજબ, ઉત્તર ભારતમાં ક્રસ્ટ (ભૂપૃષ્ઠનો સૌથી ઉપરનો સ્તર) આશરે 35 કિલોમીટર જાડો છે, જ્યારે તિબ્બતની નીચે તેની જાડાઈ આશરે 70 કિલોમીટર સુધી છે. હિમાલયમાં આવતા મોટાભાગના ભૂકંપ જમીનની સપાટીથી આશરે 10થી 15 કિલોમીટર નીચે આવે છે. ઓછી ઊંડાઈએ આવતા ભૂકંપો જમીન પર વધુ અસર કરી શકે છે, તેથી હિમાલય ક્ષેત્રમાં ભૂકંપની ગતિવિધિ પર સતત નજર રાખવી જરૂરી છે.

આ અભ્યાસનો અર્થ એ નથી કે કોઈ મોટા ભૂકંપની ચોક્કસ તારીખ કે સમયની જાણકારી મળી ગઈ છે. વૈજ્ઞાનિકો ભૂકંપની ચોક્કસ તારીખ અને જગ્યાની ભવિષ્યવાણી કરી શકતા નથી. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય હિમાલયની નીચે ભારતીય પ્લેટની સ્થિતિ, ફોલ્ટ સેગમેન્ટ અને ત્યાં બની રહેલા દબાણને વધુ સારી રીતે સમજવાનો છે. જમીનની નીચે થઈ રહેલી આ હલચલને સમજવી ભૂકંપથી બચાવ અને સારી તૈયારી માટે મહત્વપૂર્ણ છે.