ઇઝરાયલ તરફ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બુધવારે સવારે લગભગ 9 વાગ્યે એક ગંભીર ઘટના બની, જેમાં વિમાનને ક્રેશ થતું બચાવવામાં આવ્યું. આ ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા, જેમાં 27 બાળકો પણ સામેલ હતા. મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા.
અહેવાલો અનુસાર, ઘટના પહેલાં બંને પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી. કોકપિટમાં હાજર ઓમાની પાઇલટે ભારતીય કો-પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરી દીધો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. હુમલાખોર ત્યારબાદ બંને પાઇલટોની સીટ વચ્ચે બેસીને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરવા લાગ્યો.
સ્થિતિ વણસતી જોઈને કેપ્ટન સ્મિત મચ્છારે બેભાન થતાં પહેલાં કોકપિટનો દરવાજો ખોલી દીધો. આ દરમિયાન એક મુસાફર યાનિવ હાયૂન નામના વ્યક્તિએ કોકપિટમાંથી ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો અને બીજા એક મુસાફર સાથે ત્યાં પહોંચ્યો. તેણે જોયું કે ઘાયલ પાઇલટ દરવાજા પાસે પડેલો હતો.
હાયૂને હુમલાખોર પાઇલટ પાસેથી વિમાનનું નિયંત્રણ છીનવી લીધું અને તેને બાંધી દીધો. આ દરમિયાન વિમાન ઝડપથી એક તરફ ઝૂકવા લાગ્યું, ત્યારે હાયૂને તેને સંભાળ્યું અને વિમાનને સુરક્ષિત રીતે જમીન પર ઉતારવામાં પાઇલટની મદદ કરી.
ઘટના બાદ યાનિવ હાયૂન લોહીવાળા કપડાંમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળવા પહોંચ્યો. નેતન્યાહૂએ તેની બહાદુરીની પ્રશંસા કરી અને તેને હીરો ગણાવ્યો. નેતન્યાહૂએ યાનિવ હાયૂન સાથે મુલાકાત કરી અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. હાયૂને નેતન્યાહૂને જણાવ્યું કે કેપ્ટન સ્મિત મચ્છારે બેભાન થતાં પહેલાં કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો, જેના કારણે બહાર હાજર મુસાફરોને કોકપિટની અંદર પહોંચવાનો રસ્તો મળી ગયો અને તેઓ હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા.
નેતન્યાહૂએ મચ્છારની બહાદુરીની પ્રશંસા કરતાં કહ્યું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મચ્છારે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂને અંદર આવવાની તક આપી.
આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેપ્ટન સ્મિત મચ્છારની પત્ની અને માતા-પિતા સાથે ફોન પર વાત કરી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીએ કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમના સાહસે અનેક લોકોના જીવ બચાવ્યા. તેમણે પરિવારને ભરોસો આપ્યો કે ભારતીય મિશન તેમની શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને પાઇલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કેપ્ટન સ્મિતની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં વિમાન ઝડપથી હલતું જોવા મળ્યું, જ્યારે બીજા વીડિયોમાં હુમલાખોરને કાબૂમાં લીધા બાદ મુસાફરો તાળીઓ પાડીને ખુશી મનાવતા જોવા મળ્યા.
ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે જે સહ-પાયલોટે સ્મિત પર હુમલો કર્યો હતો, તે ઓમાનનો નાગરિક હતો.