સત્ય. સાહસ. સંકલ્પ.

જાપાનમાં ભારતીય પેરા સ્વિમર શમ્સ આલમ શેખ પર છેડતીનો આરોપ, ડિપોર્ટ કરાયો

જાપાનમાં ભારતીય પેરા સ્વિમર શમ્સ આલમ શેખ પર છેડતીનો આરોપ, ડિપોર્ટ કરાયો

જાપાનના નાગોયામાં ચાલી રહેલી 2026 એશિયન પેરા ગેમ્સમાં ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ પર હોટેલની મહિલા કર્મચારી સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. જાપાની પોલીસે 40 વર્ષીય શેખની અટકાયત કરીને તેમને ભારત પરત મોકલી દીધા છે. આ ઘટનાથી ભારતની આંતરરાષ્ટ્રીય રમતગમતની છબીને ફટકો પડ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના સોમવારે તે હોટેલમાં બની હતી જ્યાં ભારતીય પેરા સ્વિમિંગ ટીમ રોકાઈ હતી. હોટેલની મહિલા હાઉસકીપિંગ કર્મચારી જ્યારે તેમના રૂમમાં નિયમિત કામ માટે ગઈ હતી ત્યારે તેની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પીડિત મહિલાએ તરત જ હોટેલ મેનેજમેન્ટ અને આયોજન સમિતિને જાણ કરી હતી. સ્થાનિક આયોજકોએ ભારતીય ટીમના અધિકારીઓ અને જાપાની પોલીસને માહિતી આપી હતી.

ફરિયાદ મળતાં જ જાપાની પોલીસે શેખને કસ્ટડીમાં લીધા હતા. પ્રાથમિક પૂછપરછ બાદ મંગળવારે તેમને સ્પર્ધામાં ભાગ લીધા વગર ભારત પરત રવાના કરી દેવામાં આવ્યા હતા.

પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI) આ મામલે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PCI શેખ સામે શિસ્તભંગ બદલ તમામ રમત સ્પર્ધાઓમાંથી આજીવન પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. એશિયન પેરા ગેમ્સ પૂરી થયા બાદ સમીક્ષા બેઠક યોજાશે અને સત્તાવાર નિર્ણય જાહેર કરાશે.

મૂળ બિહારના વતની 40 વર્ષીય મોહમ્મદ શમ્સ આલમ શેખ ભારતીય પેરા સ્વિમિંગના અનુભવી ખેલાડી છે. વર્લ્ડ પેરા સ્વિમિંગ રેકોર્ડ્સ મુજબ તેઓ પુરુષોની 100 મીટર બટરફ્લાય અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં વિશ્વના નંબર-1 રેન્કિંગ પર રહી ચૂક્યા છે. 2018માં જકાર્તામાં 200 મીટર અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2025માં રેક્યાવિક ઈન્ટરનેશનલ ગેમ્સમાં 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ સાથે એશિયન રેકોર્ડ બનાવ્યો હતો.