સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રૂડ તેલના ભાવ 100 ડૉલર પાર, સરકારી ઓઈલ કંપનીઓને 14,470 કરોડનો નફો

ક્રૂડ તેલના ભાવ 100 ડૉલર પાર, સરકારી ઓઈલ કંપનીઓને 14,470 કરોડનો નફો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તાજેતરમાં મોટો ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચી ગયો છે. દેશમાં મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં સામાન્ય જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે, જ્યારે બીજી તરફ સરકારી ઓઈલ કંપનીઓ માટે મોટી કમાણીનો તબક્કો શરૂ થયો છે.

જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલનો કુલ નફો 14,470 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. નોંધનીય બાબત એ છે કે એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં આ જ કંપનીઓને 18,150 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું હતું, જે હવે સીધા મોટા નફામાં ફેરવાઈ ગયું છે.

રિફાઈનિંગ માર્જિનની મજબૂતી અને માર્કેટિંગ માર્જિનમાં આવેલા જબરદસ્ત સુધારાના કારણે આ મોટો પલટો આવ્યો છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર, તાજેતરના અઠવાડિયામાં માર્જિનમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, બીજી ક્વાર્ટરની સરેરાશ સ્થિતિ પ્રથમ ક્વાર્ટર કરતાં ઘણી વધુ મજબૂત રહી છે. જો સપ્ટેમ્બરના બાકી દિવસોમાં આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ટેક્સ ચૂકવ્યા પછી પણ મજબૂત ચોખ્ખો નફો નોંધાવશે.

કઈ સરકારી કંપની કેટલો નફો રળશે?

૧. ઈન્ડિયન ઓઈલને બીજી ક્વાર્ટરમાં આશરે 7,303 કરોડ રૂપિયાનો નફો થવાની શક્યતા છે, જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ 2,661 કરોડ રૂપિયાનું નુકસાન વેઠ્યું હતું.

૨. બીપીસીએલને પ્રથમ ક્વાર્ટરના 3,962 કરોડ રૂપિયાના નુકસાન સામે આ વખતે 4,520 કરોડ રૂપિયાનો નફો થઈ શકે છે.

૩. એચપીસીએલ પણ મોટી ખોટમાંથી બહાર આવી રહી છે, જેને પ્રથમ ક્વાર્ટરના 11,526 કરોડ રૂપિયાના ભારે નુકસાન સામે બીજી ક્વાર્ટરમાં 2,647 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થવાનો અંદાજ છે.

કંપનીઓની કમાણી વધવાનું મુખ્ય કારણ માર્કેટિંગ માર્જિનમાં થયેલો સુધારો છે. ત્રણેય કંપનીઓ માટે પેટ્રોલ પર પ્રતિ લિટર 2.9 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 1.3 રૂપિયાનું માર્જિન રહેવાનું અનુમાન છે, જે પ્રથમ ક્વાર્ટરમાં પેટ્રોલ પર માઈનસ 6.1 રૂપિયા અને ડીઝલ પર માઈનસ 18.9 રૂપિયા જેટલું નેગેટિવ હતું. ડીઝલ બનાવવું પેટ્રોલ કરતાં મોંઘું પડે છે, છતાં ભારતમાં તેના ભાવ પેટ્રોલ કરતાં ઓછા રાખવામાં આવે છે. બીજી તરફ રિફાઈનિંગ માર્જિનમાં ઈન્ડિયન ઓઈલનું માર્જિન બીજી ક્વાર્ટરમાં 15 ડૉલર પ્રતિ બેરલ આસપાસ સ્થિર રહેવાની ધારણા છે, જે અગાઉ 15.6 ડૉલર હતું. જોકે બીપીસીએલનું માર્જિન 41.4 ડૉલરથી ઘટીને 18 ડૉલર પ્રતિ બેરલ અને એચપીસીએલનું માર્જિન 23.8 ડૉલરથી ઘટીને 16 ડૉલર પ્રતિ બેરલ રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.