ભારતીય નેવી અને એરફોર્સના સંયુક્ત ઓપરેશનમાં અરબ સાગરમાં મુંબઈથી 3000 કિલોમીટરથી વધુ દૂર સમુદ્રી ચાંચિયાઓના કબજામાંથી 'અજિની' નામના માછલી પકડવાના જહાજ અને તેના 20 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. આ ઓપરેશન 48 કલાક સુધી ચાલ્યું હતું.
નેવીના જણાવ્યા અનુસાર, ભારે હથિયારોથી સજ્જ ચાંચિયાઓએ જહાજ પર કબજો કરી લીધો હતો. ભારતીય એરફોર્સે આપેલી ચોક્કસ લોકેશન માહિતીના આધારે નેવીના યુદ્ધજહાજ INS કોલકાતાએ ઘટનાસ્થળે પહોંચીને ચાંચિયાઓને ઘેરી લીધા હતા. નેવીના કમાન્ડોએ જહાજ પર ચઢીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને ચાંચિયાઓ પાસેથી હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. તમામ 20 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર આ ઓપરેશનની તસવીરો શેર કરીને નેવીના શૌર્ય અને તૈયારીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત પાસે સમુદ્રી સુરક્ષા જાળવવાની, લોકોના જીવ બચાવવાની અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં પણ INS કોલકાતાએ ભારતીય કિનારેથી લગભગ 2600 કિલોમીટર દૂર 'MV રૂએન' જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું હતું. આ વખતનું ઓપરેશન તેના કરતા પણ વધુ અંતરે કરવામાં આવ્યું છે. દરિયાઈ લૂંટ અટકાવવા માટે ભારતીય નેવીએ 10થી વધુ યુદ્ધજહાજો તૈનાત કર્યા છે, જે અરબ સાગર, અદનના અખાત અને આફ્રિકાના પૂર્વીય તટ પર પેટ્રોલિંગ કરીને આંતરરાષ્ટ્રીય વેપારી માર્ગોની સુરક્ષા કરી રહ્યા છે.