સત્ય. સાહસ. સંકલ્પ.

ઈન્ડિયન આઈડલ સિંગર પરાશર જોષી હવે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ અમ્પાયર, BCCI-CA એક્સચેન્જ હેઠળ મળી જવાબદારી

ઈન્ડિયન આઈડલ સિંગર પરાશર જોષી હવે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ અમ્પાયર, BCCI-CA એક્સચેન્જ હેઠળ મળી જવાબદારી

ઈન્ડિયન આઈડલના મંચ પર પોતાની ગાયકીથી ઓળખ બનાવનાર પુણેના પરાશર જોષી હવે ક્રિકેટના મેદાન પર નવી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે. BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) વચ્ચેના અમ્પાયર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેમને ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં અમ્પાયરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ બે શેફિલ્ડ શીલ્ડ અને એક વન ડે કપ મેચમાં ફરજ બજાવશે.

પરાશર જોષીએ 2008માં ઈન્ડિયન આઈડલની ચોથી સીઝનમાં ભાગ લીધો હતો. ગાયકી સાથે તેમનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ પણ યથાવત્ રહ્યો. અગાઉ તે ક્લબ સ્તરે ક્રિકેટ રમતા હતા. બાદમાં તેમણે અમ્પાયરિંગને કારકિર્દી તરીકે પસંદ કરી અને આ ક્ષેત્રમાં આગળ વધ્યા.

2015માં BCCIની સત્તાવાર અમ્પાયર પેનલમાં સ્થાન મેળવનાર પરાશર જોષીએ રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં ફરજ બજાવી છે. અત્યાર સુધી તેમણે 19 ફર્સ્ટ ક્લાસ, 32 લિસ્ટ A અને 40 T20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમના અનુભવમાં IPL અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો પણ સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયામાં તેમનો પ્રવાસ 11થી 14 નવેમ્બર દરમિયાન બ્રિસ્બેનના ગાબા મેદાન પર ક્વીન્સલેન્ડ અને તાસ્માનિયા વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચથી શરૂ થશે. ત્યારબાદ 16 નવેમ્બરે તેઓ ગાબા ખાતે વન ડે કપની મેચમાં અમ્પાયરિંગ કરશે. આ રીતે તેમને ઓસ્ટ્રેલિયાની અલગ ફોર્મેટની ઘરેલુ ક્રિકેટનો અનુભવ મળશે.

પરાશર જોષીની છેલ્લી જવાબદારી 22થી 25 નવેમ્બર દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ વચ્ચેની શેફિલ્ડ શીલ્ડ મેચમાં રહેશે. આ કાર્યક્રમ બંને દેશના અમ્પાયરોને આંતરરાષ્ટ્રીય અનુભવ આપશે.