સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકન યુઝરનો સવાલ: ભારતીયો હાથથી કેમ ખાય છે? અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે આપ્યો ટૂંકો જવાબ

અમેરિકન યુઝરનો સવાલ: ભારતીયો હાથથી કેમ ખાય છે? અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે આપ્યો ટૂંકો જવાબ

ભારતમાં હાથથી ભોજન લેવું એ સદીઓ જૂની પરંપરા છે. ઘણા ભારતીય પરિવારોમાં દાળ-ભાત, શાક-રોટલી કે કઢી જેવી વાનગીઓ હાથ વડે જ ખાવામાં આવે છે. પરંતુ પશ્ચિમી દેશોમાં ચમચી-કાંટાનો ઉપયોગ સામાન્ય હોવાથી ઘણી વખત ભારતીયોની આ ટેવ અન્ય દેશોના લોકોને આશ્ચર્યચકિત કરે છે.

ફ્લોરિડાના એક સોશિયલ મીડિયા યુઝરે ભારતીયોના હાથથી ખાવા પર સવાલ ઉઠાવતો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં એક દંપતી દક્ષિણ ભારતીય લગ્ન સમારંભમાં હાથથી ભોજન લેતું જોવા મળે છે. આ વીડિયો સાથે અમેરિકન યુઝરે પૂછ્યું, "ભારતના લોકો હાથથી કેમ ખાય છે?" આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને તેના પર અનેક પ્રતિક્રિયાઓ આવી છે.

આ પોસ્ટ પર જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક સંજીવ સાન્યાલે ટૂંકો પણ પ્રભાવશાળી જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, "જો તમે તેને સ્પર્શ કરવામાં અસહજ અનુભવો છો અને ધાતુના સાધનોની જરૂર પડે છે, તો કદાચ તેને તમારા મોંમાં મૂકવું એ એક ખરાબ વિચાર છે." તેમના આ જવાબે સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા જગાવી છે.

સાન્યાલના જવાબમાં વ્યંગ્ય હોવા છતાં, તે આરોગ્ય અને સંવેદનાના સંદર્ભમાં ભારતીય ખાવાની પદ્ધતિનો બચાવ કરે છે. ઘણા નિષ્ણાતો પણ માને છે કે હાથથી ખાવાથી ભોજન સાથે સંવેદનાત્મક જોડાણ થાય છે અને પાચનમાં મદદ મળે છે. જોકે, સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં કોઈપણ પદ્ધતિ બીજા કરતાં ચઢિયાતી નથી, પરંતુ પરંપરા અને સ્વચ્છતાનો સમન્વય જ મહત્વનો છે.