સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં 23 ઓક્ટોબરે ભારત-ઝિમ્બાબ્વે મહિલા વનડે સિરીઝની શરૂઆત, સ્મૃતિ મંધાના સેનાનું નેતૃત્વ

વડોદરામાં 23 ઓક્ટોબરે ભારત-ઝિમ્બાબ્વે મહિલા વનડે સિરીઝની શરૂઆત, સ્મૃતિ મંધાના સેનાનું નેતૃત્વ

વડોદરા જિલ્લાના કોટંબી ખાતેની બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની સ્ટેડિયમમાં 23 ઓક્ટોબરે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચ રમાશે. બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચ માટે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળે છે.

બંને ટીમોએ મેદાન પર પ્રેક્ટિસ કરી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની તૈયારી કરી છે. બંને ટીમોના કેપ્ટને પ્રથમ મેચમાં જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતીય મહિલા ટીમની કમાન સ્મૃતિ મંધાના સંભાળશે. ટીમમાં શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ અને યાસ્તિકા ભાટિયા જેવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. બોલિંગમાં રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, સાયલી સાતઘરે અને શ્રી ચરણિ પર જવાબદારી રહેશે. ભારતીય ટીમ ઘરઆંગણે જીત સાથે સિરીઝની શરૂઆત કરવા માંગે છે.

ઝિમ્બાબ્વેની મહિલા ટીમ જોસેફિન એનકોમોના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ટીમમાં મોડેસ્ટર મુપાચિકવા, ચિપો મુગેરી-તિરિપાનો, લોરિન ફિરી, કેલિસ એનડ્લોવુ, બેલવ્ડ બિઝા અને નોમવેલો સિબાન્ડા સામેલ છે. તેઓ ભારત સામે સારો દેખાવ કરવા વ્યૂહરચના ઘડી રહ્યા છે.

તાજેતરમાં ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 સિરીઝ જીતી હતી. હવે વન-ડે ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે કેવો મુકાબલો જોવા મળે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર છે.

આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન સુરક્ષા માટે વડોદરા જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સ્ટેડિયમના પ્રવેશદ્વાર, પાર્કિંગ અને આસપાસના રસ્તાઓ પર સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવશે. ભીડ નિયંત્રણ અને વાહનવ્યવહારના નિયમન માટે પોલીસ જરૂરી વ્યવસ્થા કરશે.

સિરીઝની બીજી મેચ 25 ઓક્ટોબરે અને ત્રીજી મેચ 28 ઓક્ટોબરે કોટંબીના BCA સ્ટેડિયમ ખાતે રમાશે. ત્રણેય મેચ વડોદરામાં યોજાવાના કારણે શહેરના ક્રિકેટપ્રેમીઓને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનો રોમાંચ માણવાની તક મળશે.

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન દીપ્તિ શર્માએ જણાવ્યું કે, ઝિમ્બાબ્વેની ટીમ નવી છે, પરંતુ તેમાં સારા ખેલાડીઓ છે. પ્રથમ બેટિંગની તક મળશે તો 300થી વધુ રન બનાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. તેમણે કોટંબી સ્ટેડિયમની સુવિધાઓની પ્રશંસા કરતાં કહ્યું કે મહિલા પ્રીમિયર લીગ દરમિયાન અહીં રમવાનો અનુભવ શાનદાર રહ્યો હતો.

ઝિમ્બાબ્વેની કેપ્ટન જોસેફિન એનકોમોએ જણાવ્યું કે, કોટંબી સ્ટેડિયમમાં આવીને ખુશી થાય છે. અહીં ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારત મજબૂત ટીમ છે, પરંતુ તેમની ટીમ માનસિક રીતે તૈયાર છે અને સારો દેખાવ કરવાનો વિશ્વાસ ધરાવે છે.