સત્ય. સાહસ. સંકલ્પ.

દેશના 250 જિલ્લામાં 25% યુવાનો બેરોજગાર અને અભ્યાસથી દૂર: PLFS સર્વે

દેશના 250 જિલ્લામાં 25% યુવાનો બેરોજગાર અને અભ્યાસથી દૂર: PLFS સર્વે

ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ શું આ યુવા શક્તિનો ઉપયોગ યોગ્ય રીતે થઈ રહ્યો છે? આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (PLFS)ના હાલમાં જાહેર થયેલા અહેવાલે ચિંતા વધારી છે.

18 સપ્ટેમ્બર, શુક્રવારે જાહેર થયેલા વર્ષ 2025ના જિલ્લા સ્તરીય સર્વે મુજબ, દેશના લગભગ 250 જિલ્લાઓમાં 15થી 29 વર્ષના ઓછામાં ઓછા 25% યુવાનો એવા છે જેઓ ન તો નોકરી કરે છે, ન અભ્યાસ કરે છે અને ન કોઈ કૌશલ્ય તાલીમ લે છે. આ સ્થિતિને NEET (Not in Employment, Education or Training) કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે યુવાનો બેરોજગાર હોય ત્યારે એવું મનાય છે કે તેઓ આગળ અભ્યાસ કરી રહ્યા હશે અથવા વ્યાવસાયિક કૌશલ્ય શીખી રહ્યા હશે. પરંતુ NEET કેટેગરીમાં એવા યુવાનોનો સમાવેશ થાય છે જેઓ આ ત્રણેય પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ કરતા નથી. આટલી મોટી સંખ્યામાં યુવાધનનું ઉત્પાદક પ્રવૃત્તિઓથી દૂર રહેવું દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. નીતિ આયોગે પણ અગાઉ એક અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં આશરે 9 કરોડ યુવાનો બેરોજગાર છે અને અભ્યાસ પણ નથી કરી રહ્યા.

કયા રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર?

ઉત્તર અને પૂર્વ ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના લગભગ બે-તૃતીયાંશ જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET કેટેગરીમાં છે. એટલે કે ત્યાં દર ચારમાંથી એક યુવા કોઈ કામ નથી કરી રહ્યો.

દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, આસામ અને તેલંગાણાના લગભગ અડધા જિલ્લાઓમાં પણ 25% યુવાનો આ જ કેટેગરીમાં સામેલ છે. આ અહેવાલ માટે મોટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 600 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા.

યુવાનો ખાલી બેસવા પાછળના મુખ્ય કારણો

મહિલાઓ પર બિન-વેતનવાળા ઘરકામનો બોજ: સર્વેક્ષણ હેઠળના 75% જિલ્લાઓમાં 25%થી વધુ યુવા મહિલાઓ NEET કેટેગરીમાં છે. મોટાભાગની યુવતીઓને ઘર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવે છે, જે પગાર વગરનું કામ હોવાથી રોજગારમાં ગણાતું નથી. આ મહિલાઓની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે.

પસંદગીની નોકરીનો અભાવ: ઘણા યુવાનોએ નોકરી શોધવાનું બંધ કરી દીધું છે કારણ કે તેમને તેમની લાયકાત કે મનપસંદ ક્ષેત્ર મુજબ રોજગાર મળતો નથી.

સરકારી નોકરીઓની લાંબી તૈયારી: ઘણા યુવાનો વર્ષો સુધી માત્ર સ્પર્ધાત્મક સરકારી પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ સત્તાવાર અભ્યાસ, નોકરી કે ટ્રેનિંગથી બહાર રહે છે.

આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે દેશના 25 જિલ્લાઓ એવા પણ છે જ્યાં NEET હેઠળ આવતા યુવાનોની સંખ્યા 10% કરતાં પણ ઓછી નોંધાઈ છે, જે આશાનું કિરણ છે.