ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચવાનો માર્ગ હવે વધુ મુશ્કેલ બન્યો છે. WTC પોઈન્ટ્સ ટેબલમાં હાલ પાંચમા સ્થાને રહેલી ટીમ સામે સૌથી મોટો પડકાર વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ છે. નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ખેલાડીઓને રેડ-બોલ ક્રિકેટની પૂરતી તૈયારી માટે સમય મળી રહ્યો નથી.
ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ સામે ઘરેલું ક્રિકેટ, ઈન્ડિયા-Aની મેચ અને આંતરરાષ્ટ્રીય સિરીઝ વચ્ચે ખેલાડીઓના વર્કલોડ અને તૈયારીઓનું સંતુલન જાળવવાનો પડકાર છે.
ઈરાની કપ અને ઈન્ડિયા-A મેચના શેડ્યૂલમાં સીધો ટકરાવ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા-A સામે ઈન્ડિયા-A ને 22-25 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર-2 ઓક્ટોબર દરમિયાન બે ચાર-દિવસીય રેડ-બોલ મેચ રમવાની છે, જ્યારે 1-5 ઓક્ટોબર દરમિયાન શ્રીનગરમાં ઈરાની કપ યોજાશે. બંને સ્પર્ધાઓના સમયપત્રકમાં થયેલા ટકરાવથી ટેસ્ટ દાવેદારોની પસંદગી સમિતિ સમક્ષ મુશ્કેલી ઊભી થઈ છે. ઈન્ડિયા-A માં વધુ ટેસ્ટ ખેલાડીઓને રમાડવામાં આવે તો ઈરાની કપની રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમ નબળી પડી શકે છે, જ્યારે ખેલાડીઓને ઈરાની કપમાં મોકલવામાં આવે તો તેમને રેડ-બોલ ક્રિકેટની તૈયારીનો ઓછો અવસર મળશે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા પણ સમય અત્યંત ઓછો છે. ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ સાથે શરૂ થશે. ત્યારબાદ 24 ઓક્ટોબરથી ઈન્ડિયા-A ની ત્રણ ચાર-દિવસીય મેચ રમાશે, જે પાંચ મેચની વન-ડે સિરીઝ સાથે ઓવરલેપ થશે. સૌથી મોટી ચિંતા એ છે કે છેલ્લી વન-ડે અને પહેલી ટેસ્ટ વચ્ચે માત્ર ચાર દિવસનું અંતર છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ખેલાડીઓને રેડ-બોલ ક્રિકેટની તૈયારી માટે પૂરતો સમય મળી શકે તેમ નથી.
કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર મોટી ટેસ્ટ સિરીઝ પહેલા ઓછામાં ઓછા 10થી 14 દિવસની તૈયારી ઇચ્છે છે. પરંતુ વર્તમાન શેડ્યૂલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા આટલો સમય ફાળવવો મુશ્કેલ લાગી રહ્યો છે.
આગામી વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ સાઉથ આફ્રિકાની પરિસ્થિતિઓમાં મુખ્ય વન-ડે ખેલાડીઓને વધુ મેચ રમાડવા માગે છે, સાથે WTC ફાઇનલની રેસ માટે આગામી ટેસ્ટ સિરીઝ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણસર મુખ્ય ટેસ્ટ ખેલાડીઓને ત્રીજી વન-ડે પછી મુક્ત કરવાની યોજના છે, જેથી તેઓ ટેસ્ટની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. કેટલાક ખેલાડીઓને વન-ડે સિરીઝ પહેલા ઈન્ડિયા-A ની રેડ-બોલ મેચમાં પણ તક આપવામાં આવી શકે છે.
સૂત્રો અનુસાર, આ વખતે સીઝનનું શેડ્યૂલ નક્કી કરતી વખતે ભારતીય ટીમ મેનેજમેન્ટને પૂરતા પ્રમાણમાં સામેલ કરવામાં આવ્યું નહોતું. સામાન્ય રીતે BCCI ની ઓપરેશન્સ ટીમ, સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE), ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો મળીને કાર્યક્રમ નક્કી કરે છે. જોકે, શ્રીલંકા પ્રવાસ દરમિયાન ગિલની માગ પર ટેસ્ટ સિરીઝ પહેલા ટીમને તૈયારી માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. હવે WTC સાથે ડોમેસ્ટિક અને લિમિટેડ ઓવર્સના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે ટેસ્ટની તૈયારીઓને સંતુલિત કરવાનો પડકાર ઊભો છે.