સત્ય. સાહસ. સંકલ્પ.

વુમન્સ એશિયા કપ: ભારતે શ્રીલંકાને 72 રને હરાવી 8મી વાર ખિતાબ જીત્યો, નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર

વુમન્સ એશિયા કપ: ભારતે શ્રીલંકાને 72 રને હરાવી 8મી વાર ખિતાબ જીત્યો, નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર

દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વુમન્સ એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને આઠમી વાર ખિતાબ જીતી લીધો છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી.

ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે શેફાલી વર્માએ 68 રન અને સ્મૃતિ મંધાનાએ 59 રન બનાવ્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. શેફાલીએ 24 બોલમાં અડધી સદી પૂરી કરી, જે વુમન્સ એશિયા કપની સૌથી ઝડપી ફિફ્ટી છે.

બોલિંગમાં શ્રી ચરણીએ 4 વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી. શ્રીલંકા તરફથી કોઈ ખેલાડી મોટી ભાગીદારી કરી શક્યો નહીં.

મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રી પણ છે. તેમણે ઓપરેશન સિંદૂર સમયે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. આ જ કારણસર ગયા વર્ષે પુરુષ એશિયા કપમાં પણ ભારતીય ટીમે તેમના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો.

પ્રેઝન્ટેશન સેરેમની પહેલાં BCCI સચિવ દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ભારતીય ખેલાડીઓ સાથે વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે તેમણે ખેલાડીઓને બોર્ડનું વલણ જણાવ્યું હતું કે જો નકવી ટ્રોફી આપવા આવે તો ટીમ સ્ટેજ પર ન જાય. શ્રીલંકાની કેપ્ટને નકવી પાસેથી ઉપવિજેતા ટ્રોફી અને ચેક સ્વીકાર્યા બાદ પ્રેઝન્ટેશન સેરેમની પૂરી કરી દેવામાં આવી. ગયા વર્ષે પણ ભારતીય પુરુષ ટીમે ટ્રોફી વિના જ જીતનો ઉજવણી કરી હતી.

ભારતીય ટીમની પ્લેઇંગ-11: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા.

શ્રીલંકાની પ્લેઇંગ-11: ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), ઈમેશા દુલાની, વિશ્મી ગુણારત્ને, હસીના પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), સુગંદિકા કુમારી, ચામુડી પ્રબોદા અને મિતાલી અયોધ્યા.