સત્ય. સાહસ. સંકલ્પ.

મહિલા એશિયા કપ ફાઇનલ: ભારતે શ્રીલંકાને 72 રને હરાવી 8મી વાર ટાઇટલ જીત્યું

મહિલા એશિયા કપ ફાઇનલ: ભારતે શ્રીલંકાને 72 રને હરાવી 8મી વાર ટાઇટલ જીત્યું

એસીસી મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન શ્રીલંકાને 72 રનના તફાવતથી હરાવીને રેકોર્ડ આઠમી વખત ચેમ્પિયનશિપ જીતી છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે અગાઉની સીઝનની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 129 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી. આ ભાગીદારી મહિલા T20 ફાઇનલ અને એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વિકેટ માટે સૌથી મોટી છે. શેફાલીએ 24 બોલમાં અડધી સદી પૂરી કરી, જે એશિયા કપની સૌથી ઝડપી અડધી સદી છે. તેણે 39 બોલમાં 68 રન અને સ્મૃતિએ 39 બોલમાં 59 રન બનાવ્યા.

પ્રથમ વિકેટ પડ્યા બાદ ભારતે ઝડપથી પાંચ વિકેટ ગુમાવી અને સ્કોર 167 રન થયો. પરંતુ અંતિમ ઓવરોમાં કમલિનીએ 5 બોલમાં 15 રન ઝૂડી કાઢ્યા, જેમાં છેલ્લા બે બોલ પર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને ભારતનો સ્કોર 183/5 સુધી પહોંચાડ્યો.

184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ. પ્રથમ ઓવરમાં ઈમેશા દુલાની ક્રાંતિ ગૌડેના બોલ પર આઉટ થઈ. કેપ્ટન ચમારી અથાપથુ અને વિશ્મી ગુણારત્નેએ દાવ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગ સામે ટકી શક્યા નહીં. ચમારીએ 36 અને વિશ્મીએ 20 રન બનાવ્યા. જરૂરી રન રેટ વધતો ગયો અને શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી. અંતે ભારતે શ્રીલંકાની ઇનિંગ સમેટી લીધી અને 72 રનની જીત મેળવી.

આ જીત સાથે ભારતે એશિયા કપમાં આઠમું ટાઇટલ જીતીને મહિલા ક્રિકેટમાં તેનું વર્ચસ્વ ફરી સાબિત કર્યું છે.