એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ સેમિફાઇનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 114 રનની વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શેફાલી વર્માએ માત્ર 49 બોલમાં અણનમ 100 રન ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. શેફાલી વર્માએ 204.08ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 3 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે અણનમ 100 રન બનાવ્યા હતા. તેની સાથે સ્મૃતિ મંધાનાએ 37 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 40 રનનું યોગદાન આપ્યું હતું. શેફાલી અને હરમનપ્રીત વચ્ચે ત્રીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી થઈ હતી, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.
196 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી. ટીમ માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, અને 20 ઓવર પણ પૂરી નહોતી કરી શકી. દીપ્તિ શર્મા અને નંદિની શર્માએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે શ્રી ચરણીએ 2 અને ક્રાંતિ ગૌડ તથા શ્રેયંકા પાટિલે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી દિલારા અક્તરે સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. આઠ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા.
આ જીત બાંગ્લાદેશ સામે મહિલા T20I ક્રિકેટમાં ભારતની સૌથી મોટી જીત છે. ભારતે બાંગ્લાદેશ સામે સતત 10મી T20I મેચ જીતી છે. રનની દૃષ્ટિએ આ ભારતની ત્રીજી સૌથી મોટી જીત છે.
શેફાલી વર્માની આ ઇનિંગ સાથે તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. 2026માં તેણે 815 રન બનાવ્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટ 824 રન સાથે ટોચ પર છે.
હવે 22 સપ્ટેમ્બરે ગોલ્ડ મેડલ માટે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે.