એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ સ્પર્ધાની બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 114 રનથી હરાવીને ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ તરફથી શેફાલી વર્માએ શાનદાર સદી ફટકારી. તેમણે 49 બોલમાં 9 સિક્સ અને 3 ચોગ્ગા સાથે અણનમ 100 રન બનાવ્યા. આ તેમની T20I કારકિર્દીની પ્રથમ સદી હતી અને સાથે જ તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા, જેમાં તેમણે સ્મૃતિ મંધાનાને પાછળ છોડી દીધી.
અન્ય બેટ્સમેનોમાં સ્મૃતિ મંધાનાએ 19 બોલમાં 37 રન, કેપ્ટન હરમનપ્રીત કૌરે 33 બોલમાં 40 રન, ભારતી ફુલમાલીએ 5 બોલમાં 9 રન, ગુનાલન કમલિનીએ 10 બોલમાં 3 રન અને રિચા ધોષે 4 બોલમાં 2 રનનું યોગદાન આપ્યું હતું.
લક્ષ્યનો પીછો કરતી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહીં. માત્ર 49 રનમાં જ તેણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી દીપ્તિ શર્મા અને નંદની શર્માએ 3-3 વિકેટ, શ્રી ચરણીએ 2 વિકેટ જ્યારે શ્રેયંકા પાટિલ અને ક્રાંતિ ગૌડે 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલાં ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 8 વિકેટથી હરાવ્યું હતું, જેમાં જાપાનની ટીમ માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે અને ભારતીય ટીમની નજર ગોલ્ડ મેડલ પર છે.