સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ભારતીય મહિલા ટીમ 9 વિકેટે જીતી, પ્રતિકાની સદી અને શેફાલીની ફિફ્ટી

વડોદરામાં ભારતીય મહિલા ટીમ 9 વિકેટે જીતી, પ્રતિકાની સદી અને શેફાલીની ફિફ્ટી

વડોદરામાં શુક્રવારે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચમાં ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 49.5 ઓવરમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઝિમ્બાબ્વે તરફથી બિલવ્ડ બીજાએ સૌથી વધુ 62 રન બનાવ્યા, જેમાં 92 બોલમાં 5 ચોગ્ગા સામેલ હતા. મિશેલ માવુંગાએ 29 રનનું યોગદાન આપ્યું.

ભારત તરફથી શ્રી ચરણીએ 10 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી, જેમાં 3 મેડન ઓવરનો સમાવેશ થાય છે. ક્રાંતિ ગૌડે 3 વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માને 2 અને શેફાલી વર્માને 1 સફળતા મળી.

198 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમે 27.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 200 રન બનાવીને 137 બોલ બાકી રહેતાં જીત મેળવી લીધી. પ્રતિકા રાવલે 96 બોલમાં અણનમ 100 રનની ઇનિંગ્સ રમી, જેમાં 15 ચોગ્ગા સામેલ હતા. આ વન-ડે ઇન્ટરનેશનલમાં તેની ત્રીજી સદી છે. શેફાલી વર્માએ 33 બોલમાં અણનમ 64 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેણે 29 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 34 બોલમાં 32 રન બનાવ્યા. પ્રતિકા અને સ્મૃતિએ પહેલી વિકેટ માટે 94 રન જોડ્યા હતા. સ્મૃતિના આઉટ થયા બાદ પ્રતિકા અને શેફાલીએ બીજી વિકેટ માટે 70 બોલમાં 106 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી.

ઝિમ્બાબ્વેની શરૂઆત સારી નહોતી. ક્રાંતિ ગૌડે પોતાની જ બોલ પર કેચ લઈને લૉરીન ફિરીને 1 રન પર આઉટ કર્યો. ત્યારબાદ ચિપો મુગેરી-તિરિપાનો અને મોડેસ્ટર મુપાચિક્વાએ બીજી વિકેટ માટે 43 રન ઉમેર્યા, પરંતુ શ્રી ચરણીએ મુગેરી-તિરિપાનોને 21 રન પર LBW આઉટ કરીને આ ભાગીદારી તોડી. ચરણીએ આગળ ન્યાશા ગ્વાન્ઝુરાને 13 અને મિશેલ માવુંગાને 29 રન પર આઉટ કર્યા. દીપ્તિ શર્માએ તેન્દાઈ મકુશાને 10 રન પર બોલ્ડ કરીને ઝિમ્બાબ્વેની ઇનિંગ્સનો અંત લાવ્યો.