ભારતે એશિયન ગેમ્સ ૨૦૨૬માં સાતમો ગોલ્ડ મેડલ જીત્યો છે. બુધવારે મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ભારતે ચીનને ૨૩૮-૨૩૪થી હરાવ્યું. આ સાથે ભારતે સતત બીજી વખત આ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે.
ભારતીય ટીમમાં જ્યોતિ સુરેખા, ચિકિતા તનિપાર્થી અને પૃથિકા પ્રદીપે શાનદાર પ્રદર્શન કર્યું. ફાઇનલમાં પૃથિકા અને જ્યોતિએ એક પણ નિશાન ચૂક્યું નહીં. ભારતના ૨૩૮ પોઈન્ટના સ્કોરથી મહિલા ટીમનો વર્લ્ડ રેકોર્ડ પણ બરાબર થયો.
આ પહેલાં સેમિફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને ૨૩૪-૨૩૩થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ચિકિતાએ ૧૦, પૃથિકાએ ૧૦ અને જ્યોતિએ ૯ પોઈન્ટના નિશાન સાધ્યા હતા.
એશિયન ગેમ્સના ૧૧મા દિવસે કુલ ૨૪ ગોલ્ડ મેડલ દાવ પર છે. સાઇકલિંગ ટ્રેકમાં સૌથી વધુ ૫ અને રેસલિંગ-જુડોમાં ૪-૪ ગોલ્ડ મેડલ મેચ રમાશે.
હાલમાં ભારત ૭ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૨૫ બ્રોન્ઝ સાથે કુલ ૫૩ મેડલ જીતીને ટેબલમાં નવમા સ્થાને છે.
અન્ય સમાચારમાં, સેપકટકરામાં મહિલા ક્વાડ્રેન્ટની પ્રથમ ગ્રુપ મેચમાં ભારતને વિયેતનામ સામે ૦-૨થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે પુરુષ ક્વાડ્રેન્ટની પ્રથમ ગ્રુપ મેચમાં ભારત લાઓસ સામે ભિડશે.