ભારતની અંડર-19 ટીમે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને રેકોર્ડ 9મી વખત ખિતાબ જીત્યો છે. સુરેન્દ્રનગરના ક્રિકેટર મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારત એક સમયે હારની નજીક પહોંચી ગયું હતું. 252 રનમાં 8 વિકેટ ગુમાવીને ટીમ મુશ્કેલીમાં હતી અને પાકિસ્તાન જીતનું પ્રબળ દાવેદાર લાગતું હતું. તે સમયે મનાલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ 9મી વિકેટ માટે 35 બોલમાં 57 રન જોડીને મેચની બાજી પલટી નાખી. મનાલે 32 બોલમાં 47 રન બનાવ્યા, જ્યારે મોહિતે અંત સુધી ટકીને પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી. છેલ્લા બોલે જ્યારે ભારતને 3 રનની જરૂર હતી, ત્યારે મોહિતે ચોગ્ગો ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી.
મેચ પછી મોહિતે પોતાની સફળતાનો શ્રેય ભગવાન પરના વિશ્વાસ, પોતાના આત્મવિશ્વાસ અને મનાલ ચૌહાણના સપોર્ટને આપ્યો છે. તેમણે કહ્યું, 'મને છેલ્લી ઓવરમાં ભગવાન પર વિશ્વાસ હતો. હું પોતાને ઓલરાઉન્ડર માનું છું. આ ટૂર્નામેન્ટ મારા માટે સારી રહી ન હતી, પરંતુ મને ખાતરી હતી કે હું ફાઇનલમાં ટીમ માટે કંઈક ખાસ કરી શકું છું.' તેમણે ઉમેર્યું, 'મને મનાલના સહયોગની જરૂર હતી અને તેમણે તે આપ્યો. મને ખબર હતી કે આજનો દિવસ મારો છે અને હું ટીમને જીતાડીને જ પાછો ફરીશ.'
મોહિતે જણાવ્યું કે ભારતીય ખેલાડીઓને પોતાની બેટિંગ ક્ષમતા પર પૂરો ભરોસો હતો. તેમણે કહ્યું, 'આ બેટિંગ માટે સારી વિકેટ હતી. અમે પોતાને એમ જ કહી રહ્યા હતા કે જો પાકિસ્તાન આટલા રન બનાવી શકે છે તો અમે પણ બનાવી શકીએ છીએ. અમને આપણી બેટિંગ પર ભરોસો હતો અને એ જ વિશ્વાસે અમને જીત અપાવી.' મોહિતે મજાકિયા અંદાજમાં કહ્યું, 'નંબર-10 મારા માટે ઘણો ભાગ્યશાળી રહ્યો છે, કારણ કે મારા લગભગ તમામ રન આ જ ક્રમ પર બેટિંગ કરતી વખતે આવ્યા છે.'
ભારતની શરૂઆત શાનદાર રહી હતી. આર્યવીર સહેવાગ (58) અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાએ (80) ટીમને મજબૂત પાયો આપ્યો, પરંતુ મિડલ ઓર્ડર લથડ્યા બાદ ટીમ સંકટમાં ફસાઈ ગઈ હતી. અન્વય દ્રવિડ રન આઉટ થયા પછી ભારતની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી, પરંતુ મનાલ ચૌહાણ (47) અને મોહિત ઉલ્વા (49*)એ અશક્ય જણાતી જીતને શક્ય બનાવી દીધી.
મોહિત ઉલ્વા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો છે. એક રિપોર્ટ મુજબ જામનગરમાં રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કડક તાલીમ મેળવનાર મોહિત શરૂઆતમાં ઓફ-સ્પિનર હતો, જે બાદ ફાસ્ટ બોલર બન્યો હતો. રાજકોટ સ્થળાંતર કર્યા બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ દરમિયાન જયદેવ ઉનડકટ પાસેથી મળેલી ખાસ ટિપ્સ તેના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. ગામડાના ટેનિસ-બોલ ક્રિકેટથી શરૂ થયેલી આ સફર આજે તેને ભારતની અંડર-19 ટીમ સુધી લઈ ગઈ છે.