ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 1 બોલ બાકી રહેતા રોમાંચક જીત મેળવી. એક સમયે ભારતની જીતની શક્યતા માત્ર 4% બતાવવામાં આવી રહી હતી, પરંતુ યુવા ખેલાડીઓએ શાનદાર રમત દાખવીને મેચનું પાસું પલટી નાખ્યું.
ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતને 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 11 ઓવરમાં ટીમે 5 વિકેટે 71 રન બનાવ્યા હતા. તમામ મુખ્ય બેટ્સમેન આઉટ થયા બાદ નમન ધીરે 17 બોલમાં 31 રનની તેજસ્વી ઇનિંગ રમીને ટીમને સંઘર્ષ આપ્યો, પરંતુ તેના આઉટ થતાં મેચ ફરી ન્યુઝીલેન્ડ તરફ ઢળી ગઈ.
15 ઓવર પૂરી થઈ ત્યારે ભારતનો સ્કોર 6 વિકેટે 113 રન હતો. જીત માટે છેલ્લા 30 બોલમાં 68 રનની જરૂર હતી. 16મી ઓવરમાં 13 રન બન્યા, જ્યારે 17મી ઓવરમાં લોકી ફર્ગ્યુસને માત્ર 9 રન આપ્યા. 18મી ઓવરમાં નીતિશ રેડ્ડીએ એક છગ્ગો ફટકાર્યો અને તિલક વર્માએ બે ચોગ્ગા સાથે કુલ 17 રન બનાવ્યા. હવે 12 બોલમાં 29 રનની જરૂર હતી.
19મી ઓવરમાં તિલક વર્માએ આક્રમક રમત દાખવીને 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 18 રન આવ્યા અને ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર રહી.
છેલ્લી ઓવરમાં પહેલા બોલ પર સિંગલ, બીજા બોલ પર તિલકે ચોગ્ગો ફટકાર્યો, ત્રીજા બોલ પર 2 રન અને ચોથા બોલ પર ફરી સિંગલ લીધું. હવે 2 બોલમાં 3 રનની જરૂર હતી. પાંચમા બોલ પર નીતિશ રેડ્ડી બોલ રમી શક્યો નહીં, પરંતુ બોલ માથાની ઉપર ગયો હોવાથી અમ્પાયરે તેને વાઈડ જાહેર કર્યો. ત્યારબાદના બોલ પર નીતિશે 2 રન દોડીને ભારતને 1 બોલ બાકી રાખીને જીત અપાવી.
નીતિશ રેડ્ડી 13 બોલમાં 26 રન બનાવીને અણનમ રહ્યો. તિલક વર્માએ 26 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.