દેશમાં ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને 12.29 ટકા થયો છે. સપ્ટેબરમાં આ દર 11.39 ટકા હતો. એક જ મહિનામાં 0.90 ટકાનો વધારો થયો છે. સતત ત્રીજા મહિને જથ્થાબંધ મોંઘવારીમાં ઉછાળો જોવા મળ્યો છે.
મોંઘવારી વધવા પાછળ મુખ્ય કારણ ઇંધણ અને વીજળીના ભાવમાં થયેલો વધારો છે. ઇંધણ અને વીજળીની મોંઘવારી 32.84 ટકા પર પહોંચી છે, જે સપ્ટેમ્બરમાં 25.85 ટકા હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને ઉત્પાદન ખર્ચ વધવાથી ઇંધણ અને વીજળી મોંઘા થયા છે. તેની સીધી અસર પરિવહન અને ઉત્પાદન ખર્ચ પર પડી છે.
ઇંધણ અને પરિવહન મોંઘા થવાથી ફેક્ટરીઓથી બજાર સુધી માલસામાન પહોંચાડવાનો ખર્ચ વધ્યો છે. આ વધારાનો બોજ ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે. દૈનિક વપરાશની વસ્તુઓ, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ચીજોના ભાવ વધવાથી મધ્યમ વર્ગ અને શ્રમજીવી પરિવારોના બજેટ પર ભારે ભારણ વધ્યું છે.
આર્થિક નિષ્ણાતોના મતે, જો સમયસર આ વધારાને નિયંત્રિત ન કરવામાં આવે તો છૂટક મોંઘવારી પણ વધી શકે છે. તેનાથી લોકોની ખરીદશક્તિ ઘટશે અને આર્થિક મંદીનું વાતાવરણ સર્જાઈ શકે છે. સરકાર અને નીતિ નિર્ધારકોએ ઇંધણ, વીજળી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રિત કરવા ઝડપી પગલાં લેવાની જરૂર છે, નહીં તો આગામી સમયમાં મોંઘવારી વધુ અસહ્ય બનશે.