ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે જુલાઈ 2027માં યોજાનારી T20 સિરીઝની બે મેચ અમેરિકા અથવા કેનેડામાં રમાઈ શકે છે. વેસ્ટ ઇન્ડીઝ આ પ્રવાસની યજમાની કરશે, જેમાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 મેચનું આયોજન થવાની સંભાવના છે. આ પૈકીની બે T20 મેચ ઉત્તર અમેરિકામાં યોજવાની યોજના છે.
યજમાનીની દોડમાં વૉશિંગ્ટન DC અને ટોરન્ટો સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે, જ્યારે લૉસ એન્જલસ અને ફ્લોરિડાના લૉડરહિલ પણ વિકલ્પ તરીકે ધ્યાનમાં છે.
અમેરિકામાં 10,000 દર્શકોની ક્ષમતાનું નવું સ્ટેડિયમ બની રહ્યું છે. વૉશિંગ્ટન ફ્રીડમ મેજર લીગ ક્રિકેટની ટીમ છે, અને ફ્રેન્ચાઇઝીએ વૉશિંગ્ટન DCથી લગભગ 45 માઇલ ઉત્તર તરફ આવેલા ફ્રેડરિકમાં 10,000 દર્શકોની ક્ષમતા ધરાવતું મેદાન બનાવવાનું કામ શરૂ કર્યું છે. વૉશિંગ્ટન ફ્રીડમે 2024માં મેજર લીગ ક્રિકેટ જીતી હતી.
હાલમાં વેસ્ટ ઇન્ડીઝની ઉત્તર અમેરિકામાં ટેસ્ટ મેચ યોજવાની કોઈ યોજના નથી. તેમનું ધ્યાન વ્હાઇટ બોલ ક્રિકેટ, ખાસ કરીને T20 ઇન્ટરનેશનલ પર છે. આગામી ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)માં વેસ્ટ ઇન્ડીઝની ઘણી ટેસ્ટ મેચ સામેલ થવાની અપેક્ષા છે, જેમાં મોટાભાગની સિરીઝ 2 અથવા 3 મેચની હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમ સામે પણ વેસ્ટ ઇન્ડીઝ યજમાની કરશે.
વેસ્ટ ઇન્ડીઝના આગામી FTPનો સૌથી ખાસ મુકાબલો 2028માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થશે, જ્યારે એક ટેસ્ટ લોર્ડ્સમાં રમાશે. આ મેચ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ટેસ્ટની 100મી વર્ષગાંઠના અવસરે યોજાશે. વેસ્ટ ઇન્ડીઝે પોતાની પ્રથમ ટેસ્ટ જૂન 1928માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં જ રમી હતી, જેમાં ઇંગ્લેન્ડે એક ઇનિંગ્સ અને 58 રનથી જીત મેળવી હતી.