સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 શ્રેણી 2-2 બરાબર, નિર્ણાયક મેચમાં 7 વર્ષનો ઘરઆંગણાનો રેકોર્ડ દાવ પર

ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 શ્રેણી 2-2 બરાબર, નિર્ણાયક મેચમાં 7 વર્ષનો ઘરઆંગણાનો રેકોર્ડ દાવ પર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી નિર્ણાયક મોડ પર પહોંચી છે. પ્રથમ ચાર મેચમાં ટક્કર બાદ શ્રેણી 2-2 થી બરાબર છે. હવે પાંચમી અને અંતિમ મેચ 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

આ મેચ ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીતવાની સાથે છેલ્લા સાત વર્ષથી ઘરઆંગણે ચાલી આવતા વર્ચસ્વની કસોટી પણ છે. ભારત છેલ્લે 2019માં ઘરઆંગણે T20I શ્રેણી હાર્યું હતું, ત્યારે એરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાએ બે મેચની શ્રેણીમાં ભારતને 2-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું. તે પછી ભારતે ઘરઆંગણે ઘણી મજબૂત ટીમો સામે જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ પાસે આ સિલસિલો તોડવાની તક છે. આ શ્રેણીમાં તેના બેટ્સમેનોએ આક્રમક બેટિંગથી ભારતીય બોલરો સામે દબાણ ઊભું કર્યું છે. જો ભારત બેંગલુરુમાં હારે તો 2019 પછી પહેલીવાર ઘરઆંગણે T20 શ્રેણી ગુમાવશે. વેસ્ટ ઈન્ડિઝ પાસે સતત બીજી વખત ભારતને T20 શ્રેણીમાં હરાવવાની તક છે; 2023માં રમાયેલી છેલ્લી શ્રેણીમાં તેણે 3-2 થી જીત મેળવી હતી.

શ્રેણીની ચાર મેચોએ બંને ટીમોની તાકાત અને નબળાઈઓ દર્શાવી છે. ક્યાંક ભારતે વિજય મેળવ્યો છે, તો ક્યાંક કેરેબિયન બેટ્સમેનોએ 240થી વધુ રન બનાવીને મેચનું પરિણામ પલટી નાખ્યું છે. બેંગલુરુનું સ્ટેડિયમ ટૂંકી બાઉન્ડ્રી અને બેટ્સમેન માટે અનુકૂળ વિકેટ માટે જાણીતું છે. આથી વેસ્ટ ઈન્ડિઝના પાવર-હિટરોને રોકવાનો પડકાર ભારતીય બોલરો સામે રહેશે, જ્યારે ભારતીય બેટ્સમેન પર મોટો સ્કોર કરવાનું દબાણ રહેશે. (Photo: PTI/X)