વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 16 સપ્ટેમ્બરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે. પરંતુ આ શ્રેણીમાં ભારતના 9 અનુભવી ખેલાડીઓ ઉપલબ્ધ નહીં રહે, કારણ કે તેમની પસંદગી 2026ની એશિયન ગેમ્સ માટે ભારતીય T20 ટીમમાં થઈ છે. બંને ટુર્નામેન્ટની તારીખો એકબીજા સાથે ટકરાય છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત પ્રવાસે 3 વનડે અને 5 T20I મેચ રમવા આવી રહી છે. વનડે શ્રેણી 27 સપ્ટેબરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ જ સમયગાળામાં ભારતીય T20 ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે, જેના કારણે 9 મુખ્ય ખેલાડીઓ વનડે માટે ઉપલબ્ધ નહીં થાય.
વનડે શ્રેણીનું શેડ્યૂલ આ પ્રમાણે છે:
પ્રથમ ODI: 27 સપ્ટેમ્બર, તિરુવનંતપુરમ
બીજી ODI: 30 સપ્ટેમ્બર, ગુવાહાટી
ત્રીજી ODI: 3 ઓક્ટોબર, મુલ્લાનપુર (ન્યૂ ચંદીગઢ)
મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન શુભમન ગિલ માટે સંતુલિત ટીમ પસંદ કરવી પડકારજનક રહેશે. ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર પણ એશિયન ગેમ્સમાં હોવાથી, નવા ખેલાડીને ઉપ-કેપ્ટનની જવાબદારી મળી શકે છે.
આ પરિસ્થિતિ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહેલા યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની સુવર્ણ તક છે. હવે ક્રિકેટ ચાહકોની નજર પસંદગી સમિતિ પર છે કે તે કયા નવા ચહેરાઓને તક આપે છે.